Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

હનુમાનજીને સંતનું પ્રમાણપત્ર આપનાર અક્ષરમુનિ સામે ફરિયાદ

હનુમાનજી બ્રહ્મચર્ય વ્રત કરનારા છે તેથી તેને સંત કહી શકાય, ભગવાન નહિ... : હનુમાનજીનું ઘોર અપમાન થયું છે, સનાતન ધર્મના લોકોની લાગણી દુભાઇ છેઃ મુંબઇ મીરા રોડ હનુમાનજી મંદિરના ભકતો દ્વારા પોલીસ ફરિયાદઃ પોલીસ કહે છે, સ્‍વામીનું નિવેદન લીધા બાદ આગળની કાર્યવાહી :: સ્‍વામિનારાયણ સંપ્રદાયના સંતે વિવાદ છેડયો

મુંબઇ : સ્‍વામી નારાયણ સંપ્રદાયના એક સ્‍વામીએ ગયા વર્ષના નવેમ્‍બર મહિનામાં થાણેમાં કરેલી સત્‍સંગ સભા દરમ્‍યાન એક હરિભકતે હનુમાનજી વિશે પૂછેલા સવાલનો સ્‍વામીજીએ જે જવાબ આપ્‍યો હતો અને લઇને હવે જોરદાર વિવાદ ઊભો થયો છે. વાત એટલી આગળ વધી ગઇ છે કે સત્‍સંગ સભા દરમ્‍યાન થયેલી આ પ્રશ્નોતરીની કિલપ જબરદસ્‍ત વાઇરલ થઇ છે અને એના આધારે હનુમાનજીના ભકતોએ સ્‍વામીજીની ખિલાફ પોલીસમાં ફરીયાદ કરી છે. જો કે પોલીસ સ્‍વામીજીને બોલાવીને તેમનું સ્‍ટેટમેન્‍ટ લીધા બાદ આગળની કાર્યવાહી કરવાનું કહી રહી છે.

ભુજ સ્‍વામીનારાયણ મંદિરના સ્‍વામી અક્ષરમુનિદાસને ૧પ નવેમ્‍બરની સત્‍સંગ સભામાં એક હરિભકતે પૂછયું હતું કે હનુમાનજી મહારાજને સંત કહેવાય કે ભગવાન કહેવાય ? આ પ્રશ્નના ઉતરમાં સ્‍વામીએ કહયું હતું કે, જો હનુમાનજી છેને તેને સંત આપણે ચોકકસ કહી શકીએ, કેમ કે તે મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે. એટલે સંત છે, બરોબર ? અને આમેય ભગવાનના ભકત છે. હનુમાનજી છે એ કોઇ ભગવાન નથી, પણ ભગવાનને ભજી - ભજીને અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્‍યો કે ભગવાન રામે તેને પોતાના સમાન પૂજનીય બનાવ્‍યા. જો એ વાત તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે., પૂજાય છે પણ એ કોઇ ભગવાન નથી. એ બધા ભગવાનના ઉત્તમ પ્રકારના ભકત છે એટલે એ સંત છે. એમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ શ્રેષ્‍ઠ ભકત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય.'

તેમના આ જવાબને લઇને હનુમાનજીના ભકતો જોરદાર નારાજ થઇ ગયા છે. મીરા રોડમાં આવેલા શ્રી ઇચ્‍છાપૂર્તિ હનુમાનજી દાદા મંદિરના મહારાજ અને ભાગવતવકતા અશોકદાદા પંડયાએ જણાવ્‍યું હતું કે ‘સોશ્‍યલ મીડિયા પર એક સ્‍વામી હનુમાનજીને ભગવાન નહીં પણ સંત હોવાનો દાવો કરતું નિવેદન આપી રહ્યા છે. સ્‍વામી નારાયણ સંપ્રદાયના સ્‍વામીએ કહયું હતું કે હનુમાનજી ભગવાન નથી, એ સંત છે. તેમને ભગવાન ન કહેવાય એવું નિવેદન આપીને હનુમાનજીનું  ઘોર અપમાન કરીને અમારી ધાર્મિક લાગણીને દુભાવી છે, હિન્‍દુ સનાતન ધર્મની જનતાની લાગણીને દુભાવી છે તો અમે તેમના આ મંતવ્‍યનો સખ્‍ત શબ્‍દોમાં વિરોધ કરીએ છીએ. અમારા વિરોધને લઇને અમે નયાનગર પોલીસ -સ્‍ટેશનમાં ફરીયાદ નોંધાવવા ગયા હતાં. કોઇનો પણ અધિકાર નથી કે તે કોઇ ભગવાન વિશે ટિપ્‍પણી કરી જાય. અમે આજ સુધી કોઇ ધર્મ હોય કે સમાજના ઇષ્‍ટ દેવતા બધાને પુજનીય માનીએ છીએ અને એક શબ્‍દ પણ બોલતા નથી. હનુમાનજી સાધુ સમાજના ઇષ્‍ટ દેવતા પણ છે. હનુમાનજી ચિરંજીવ છે એટલે કે તેઓ હાજરશરાહજુર છે તેઓ મહાદેવનો અગીયારમો રૂદ્ર અંશ છે. સ્‍વામીનારાયણ સંપ્રદાયના આ કહેવાતા સ્‍વામી દ્વારા સનાતન હિન્‍દુ ધર્મના અતિ પ્રીય ભગવાન એવા હનુમાન દદાનું અપમાન કરવમાં આવ્‍યું છે એમ જણાવીને તેમણે વધુમાં કહયું હતું કે હું તેમના આ શબ્‍દોને સખત શબ્‍દોમાં વખોડીને તે સ્‍વામીને સ્‍વામીનારાયણ સંપ્રદાયમાંથી તાત્‍કાલીક ધોરણે બહાર કાઢી નાખવાની માંગણી કરૂ છું. જો સંપ્રદાય દ્વારા એ સ્‍વામી સામે પગલા નહી લેવાય તો હજારોની સંખ્‍યામાં સેવકગણ   સાથે હું અનશન પર બેસીશ અને આ દરમ્‍યાન જો અમને કોઇને કંઇ પણ થશે તો એની જવાબદારી માત્રને માત્ર આ કહેવાતા સ્‍વામીની રહેશે.

 આ બાબતે એક જાહેર ખુલાસો બહાર પાડવામાં આવ્‍યો છે. જેમાં ખુલાસાના અંતમાં લી. સ્‍વામી અક્ષરમુનીદાસજીના જય શ્રીસ્‍વામીનારાયણ.. જય શ્રીરામ... જય કષ્‍ટભંજનદેવ હનુમાનજી મહારાજ લખવામાં આવ્‍યું છે. આ ખુલાસામાં અક્ષમુનીદાસે લખ્‍યું છે કે અમોએ સત્‍સંગ સભામાં ઉતર આપેલ છે. એમા હનુમાનજી મહારાજ વિશે કોઇ પણ જાતનો ખરાબ શબ્‍દનો પ્રયોગ કર્યો નથી કે કોઇ પણ ભકતની લાગણી દુભાય તેવા શબ્‍દોનો ઉપયોગ કરેલો નથી. કારણ કે અમો પોતે પણ હનુમાનજી મહારાજમાં પરંપરાથી શ્રધ્‍ધા-આસ્‍થા ધરાવતા આવ્‍યા છીએ. અમારા પોતાના મંદિરોમાં પણ હનુમાનજી મહારાજની મુર્તિની પ્રતિષ્‍ઠા પરંપરાથી કરતા આવ્‍યા છીએ. અને હનુમાનજી મહારાજની આરતી પુજા અને તહેવારોએ હનુમાનજી મહારાજના ઉત્‍સવો પણ યોજીએ છીએ. અમોએ જે શાષાોનો અભ્‍યાસ કર્યો છે. જેમાં રામાયણનો પણ અભ્‍યાસ કરેલો છે. એમાં પણ ભગવાન શ્રીરામના શ્રેષ્‍ઠ ભકત તથા સેવક તરીકે હનુમાનજીનું વર્ણન કરેલ છે. અને ભગવાન શ્રી રામના મંદિરમાં પણ હનુમાનજી મહારાજનું તે રીતે મૂર્તિનું સ્‍થાપન કરવામાં આવે છે. અને તેની પૂજા, આરતી વગેરે કરવામાં આવે છે અને અમોએ આપેલ જવાબમાં અમારો કોઇ ખરાબ ઇરાદો નથી. કોઇનો લાગણી દુભાય એવો લેશમાત્ર ઇરાદો નથી. અને મેં કદી  પણ હિન્‍દુ દેવતાઓ, દેવીઓ કે મોટા સંતોનું અપમાન કે ખંડન કરેલ નથી અને તેવા અમારા સંસ્‍કારો પણ નથી. તેમ છતાં અમારા જવાબથી કોઇપણ હરીભકત કે કોઇપણ વ્‍યકિતને મનદુઃખ થયું હોય, લાગણી દુભાઇ હોય તો તે બદલ હું દિલગીરી વ્‍યકત કરું છું. આપ સર્વે મને નાનો સાધુ જાણીને મારા ઉપર રાજી રહેજો.

 આ ખુલાસાના સંદર્ભમાં સ્‍વામી અક્ષરમુનિદાસજીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમના ફોન રીંગ જતો હતો. ત્‍યાર બાદ કે આપે જે ખુલાસો જાહેર કર્યો છે એ મુજબ હનુમાનજી એક સંત હતા અને ભગવાન નહીં એ વિધાન બાબતે સ્‍પષ્‍ટ જવાબ નથી. તો આ બાબતે આપ સ્‍પષ્‍ટતા કરો એવી વિનંતી છે.

 આ સિવાય પોલીસે તેમને સ્‍ટેટમેન્‍ટ નોંધવા માટે બોલાવ્‍યા છે કે નહીં એ વિશે પણ સ્‍વામીજીને પુછવામાં આવ્‍યું હતું. જો કે આ પ્રશ્નો બાબતે સ્‍વામીજી તરફથી કોઇ જવાબ મળ્‍યો નહોતો.  (મિડ-ડેમાંથી સાભાર)

(4:03 pm IST)