Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઓસ્ટ્રેલિયામાં ટ્રાવેલ બેનના કારણે ૪૦ હજારથી વધુ લોકો બીજા દેશમાં ફસાયા

કેટલા લોકો બેઘર તો કેટલાક ભૂખ્યા

સિડની, તા.૧૦: કોરોના સંક્રમણ રોકવા માટે ગયા વર્ષે માર્ચમાં ઓસ્ટ્રેલિયાની સરકારે દેશની સીમાઓ બીજા દેશો માટે બંધ કરી દીધી હતી. જે ઓસ્ટ્રેલિયા નાગરિક અને રેસિડન્ટ જે દેશમાં હતા ત્યાં જ ફસાઇને રહી ગયા હતા. ત્યારબાદ સરકાર ઓછી સંખ્યામાં રહેવાસીઓને આવવાની પરવાનગી આપી રહી છે. હાલમાં ૪૦,૦૦૦થી વધુ ઓસ્ટ્રેલિયન બીજા દેશોમાં ફસાયા છે. તેમાંથી મોટા ભાગના લોકો નોકરીઓ પણ ગુમાવી ચુકયા છે. પૈસાની સમસ્યા થઇ રહી છે અને મુંઝવણ એ છે કે તેઓ પાછા વતન જઇ શકશે કે નહીં.

૧૯૮૮થી સિડનીમાં રહેતા ઓસ્ટ્રેલિયન નાગરિક દીપક પુનિયા ૧૪ મહિનાથી ભારતમાં ફસાયા છે. ૫૨ વર્ષના દીપક જાન્યુઆરી ૨૦૨૦માં બીમાર પિતાને જોવા માટે ગંગાનગર આવ્યા હતા. દીપક કહે છે તેમની કંપનીએ રજાઓ પ્રમાણે થોડા દિવસ પગાર આપ્યો પછી પગાર પણ બંધ છે.

દીપકની જેમ સુઝાન પણ ૨૦૧૯માં ઓસ્ટ્રેલિયાથી ઇંગ્લેન્ડ ગઇ હતી. ઇરાદો ફરવાનો અને નાનું મોટું કામ કરીને યાત્રાનો ખર્ચ કાઢવાનો હતો. ૨૦૨૦માં અચાનક લોકડાઉન લાગ્યું. ફરવાનું તો ઠીક, ખાવા પીવાની પણ તંગી પડી ગઇ.

મેલબર્ન નિવાસી બે ભાઇઓ મનદીપ અને સંદિપની કહાની અલગ છે. મનદીપ ઓસ્ટ્રેલિયન નાગરિક જયારે સંદિપ પરમેનેન્ટ રેસિડન્ટ છે. બંને ગયા વર્ષે લગ્ન કરીને હરિયાણાના જિંદ ગયા હતા. લગ્ન બાદ બંને મેલબર્ન પાછા ફર્યા, પરંતુ પત્નિઓ ભારતમાં જ રહી ગઇ.

ઓસ્ટ્રેલિયન સરકારે સીમાઓ ૧૭ જુન સુધી સીલ કરી દીધી છે. વાઇરસ રોકવા માટે હ્યુમન બાયો સિકયોરિટી ઇમર્જન્સી ત્રણ મહિના લંબાવી દેવાઇ છે.

(3:18 pm IST)