Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો

લિવ ઈનમાં સાથે રહેવા સમયે છોકરા- છોકરી વચ્ચે બંધાયેલા સંબંધો રેપ નહીં ગણાય

નવી દિલ્હી, તા.૧૦: સુપ્રીમ કોર્ટે એક કેસના ચુકાદામાં કહ્યું છે કે જો મહિલાને લગ્ન માટે આપવામાં આવેલું વચન શરૂઆતથી જ જુઠુ હોય તો તેવા કિસ્સામાં ફરિયાદને રેપ માનવામાં આવશે, અન્યથા રેપ માનવામાં નહીં આવે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે રેપના એક આરોપીની સામે દાખલ ચાર્જશીટ રદ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલો ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લા સાથે સંકળાયેલો છે.

ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને એમ આર શાહની બેંચે આ આદેશ આરોપી સોનુની એફઆઇઆર રદ કરવાની માગણીને ધ્યાનમાં રાખીને આપ્યો હતો. અરજદારે એફઆઇઆર અને ચાર્જશીટ રદ કરવાની માગણી કરી હતી. બેંચે કહ્યું હતું કે એફઆઇઆર અને ચાર્જશીટ વાંચ્યા પછી સ્પષ્ટ થાય છે કે આરોપી અને પીડિતા બન્ને રિલેશનશિપમાં હતા, અને લગ્ન કરવાનો કોઇ જ ઇરાદો હોવાનું સ્પષ્ટ નથી થતું. સાથે તે પણ સ્પષ્ટ નથી થતું તે લગ્ન કરવાનું વચન ખોટું હતું.

બેંચે કહ્યું કે પીડિતા અને આરોપી બન્ને વચ્ચેના સંબંધ એકબીજા સાથેની સહમતીથી બંધાયા હતા. બન્ને આ સંબંધમાં આશરે દોઢ વર્ષ સુધી રહ્યા હતા. બાદામાં જયારે આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી તો તેની સામે રેપની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એફઆઇઆરમાં સ્પષ્ટ દર્શાવવામાં આવ્યું છે કે આરોપી અને પીડિતાની વચ્ચે સંબંધ આશરે દોઢ વર્ષ સુધી રહ્યો. લગ્ન માટે પરિવારજનો સહમત હતા પણ હવે ના પાડી રહ્યા છે. તેથી પીડિતાની એક માત્ર ફરિયાદ આરોપી સોનુની તેની સાથે લગ્ન ન કરવાની છે. આ કેસમાં લગ્ન કરવાની મનાઇ બાદમાં કરવામાં આવી છે જેના આધારે એફઆઇઆર દાખલ થઇ છે. તેથી એ સ્પષ્ટ નથી થતું તે લગ્નના જુઠા વચન આપીને સંબંધ બાંધવામાં આવ્યા હતા.

(3:13 pm IST)