Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઉચ્ચ શિક્ષણમાં ધરખમ ફેરફારો તોળાય છે

યુજીસી જેવી સંસ્થાને બંધ કરવા તૈયારી

નવી દિલ્હી તા. ૧૦ :.. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો અત્યારે જે રીતે આગેવાન બનેલા છે. તેમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે પ્રસ્તાવિત નિયામક ટૂંક સમયમાં અસ્તિત્વમાં આવી શકે છે. આમ પણ નીતિના અમલીકરણ માટે કામે લાગેલ શિક્ષણ મંત્રાલય હવે આમાં મોડું કરવાના મૂડમાં નથી. આના કારણે જ મંત્રાલયમાં આ અંગે બહુ ઝડપી કામ ચાલી રહ્યું છે. જો કે આના કારણે જે મોટા ફેરફારો થશે તેમાં યુજીસી જેવી સંસ્થાઓ ખતમ થઇ જશે.

અત્યારે ઉચ્ચ શિક્ષણમાં લગભગ ૧૪ અલગ અલગ નિયામકો કામ કરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણને વિશ્વ સ્તરીય બનાવવાની હિલચાલમાં આ ક્ષેત્રમાં રહેલ ડઝનથી પણ વધારે નિયામકો એક મોટી બાધારૂપ માનવામાં આવે છે. આ કારણથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ તેમને બહાર કાઢવાની ભલામણ કરાઇ છે. આખા ઉચ્ચ શિક્ષણને એક જ નિયામકના વ્યાપમાં રાખવા માટે ભારતીય ઉચ્ચતર શિક્ષણ આયોગ (એચઇસીઆઇ) ની રચનાનો પ્રસ્તાવ છે. જો કે નીતિને મંજૂરી મળ્યા પહેલા જ સરકારે એચઇસીઆઇની રચનાની તૈયારી કરી લીધી હતી. આ અંગેના વિદ્યાયકનો મુસદો પણ તૈયાર થઇ ગયો હતો પણ તે સંસદમાં રજૂ નહોતો થઇ શકયો. હવે સરકાર આ મુસદાને નવા સ્વરૂપે લાવવાની તૈયારીમાં લાગી ગઇ છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે મહીનાની અંદર જ આ નિયામક સામે આવી શકે છે. આમ પણ નવી નીતિમાં ઉચ્ચ શિક્ષણ માટે આ મુખ્ય નિયામકને ર૦ર૦ માં રચવાનું લક્ષ્ય રખાયું હતું, જે કોરોના સંકટના કારણે પાછળ ઠેલાઇ ગયું છે.

(11:42 am IST)