Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સંસદની સ્ટે. કમીટીનો રિપોર્ટ

ગરીબ વડિલો-વિધવાઓ-દિગ્યાંગોને મળતુ પેન્શન સાવ ઓછુઃ સરકારની કાઢી ઝાટકણી

નવી દિલ્હી તા. ૧૦ :.. મંગળવારે લોકસભામાં રજૂ કરાયેલ ગ્રામીણ વિકાસ અંગેની પાર્લમેન્ટરી સ્ટેન્ડીંગ કમીટીના રીપોર્ટમાં કહેવાયું છે કે ગરીબ સીનીયર સીટીઝનો, વિધવાઓ અને દિવ્યાંગોને અપાઇ રહેલા મામૂલી પેન્શનમાં કેન્દ્રએ વધારો કરવો જ જોઇએ. પેનલે રકમ વધારવામાં સરકારની આળસ પર ઠપકો આપતા કહયું કે આ રકમ વધારવાની ભલામણો છેલ્લા બે વર્ષથી કરાઇ રહી છે.

નેશનલ સોશ્યલ આસીસ્ટન્સ પ્રોગ્રામ  (એનએસએપી) જેવી ગરીબો અને સમાજના નબળા વર્ગો સુધી પહોંચવાની સ્કીમ કમીટીના ધ્યાન બહાર નથી એવું પણ રિપોર્ટમાં કહેવાયું છે. જો કે કમીટી આ યોજના હેઠળ ર૦૦ થી પ૦૦ રૂપિયાનું માસિક પેન્શન જોઇને ચકિત છે.પેનલે ધ્યાન દોર્યુ હતું કે તેણે પહેલા પણ આ મામૂલી પેન્શન રકમમાં વધારો કરવા માટે ડીપાર્ટમેન્ટ ઓફ રૂરલ ડેવલપમેન્ટને ર૦૧૯-ર૦ અને ર૦ર૦-ર૧ માં ગ્રાન્ટ વધારવા કહયું હતું. પણ કમીટીને આશ્ચર્ય થયું છે કે હજુ સુધી તેમાં કંઇ થયું નથી. કમિટી ડીઓઆરડીના બિન ગંભીર વલણ માટે સમર્થન નથી આપતી અને ફરીથી એકવાર ભલામણ કરે છે. કે ડીઓઆરડી આ મુદો ગંભીરતા પૂર્વક ધ્યાનમાં લે અને એનએસએપી હેઠળ અપાતી મદદની રકમમાં વધારો કરવાની પ્રક્રિયા ઝડપથી કરે.

સીનીયર સીટીઝન (ગરીબ) ને માત્ર ર૦૦ થી પ૦૦ માસિક પેન્શન મળે છે જયારે વિધવા પેન્શન સ્કીમ હેઠળ ૪૦ વર્ષથી ઉપરની ગરીબ મહિલાને માસિક રૂ. ૩૦૦ થી પ૦૦ પેન્શન મળે છે વિકલાંગતા પેન્શન માત્ર રૂ. ૩૦૦ મળે છે.

(11:41 am IST)