Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

WHOનો ચોંકાવનારો રીપોર્ટ

વિશ્વની દર ૩ માંથી ૧ મહિલા બની છે શારિરીક અને યૌન હિંસાનો શિકાર

ન્યુર્યોક, તા.૧૦: યુએનની હેલ્થ એજન્સી અને તેના પાર્ટનર્સને એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સમગ્ર વિશ્વમાં દર ૩માંથી ૧ મહિલા પોતાના જીવનમાં શારિરીક અથવા તો જાતીય હિંસાનો ભોગ બની છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી મંગળવારે બહાર પાડવામાં આવેલા રિપોર્ટમાં, મહિલાઓ વિરુદ્ઘ થતી હિંસાના એજન્સીએ કરેલા વ્યાપક અભ્યાસમાં જાણવા મળ્યું કે આવી હિંસા વહેલી શરૂ થાય છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે રિલેશનમાં રહેતી ચોથા ભાગની યુવતીઓ જયારે ૨૦ વર્ષની વયે પહોંચે ત્યાં સુધીમાં તેણે તેના પાર્ટનર દ્વારા હિંસા અનુભવી હતી.

૨૦૧૦ થી ૨૦૧૮ ના સમયગાળા દરમિયાનના આંકડા, કોવિડ -૧૯ મહામારીની અસરને આવરી લેતા નથી. અભ્યાસમાં મહિલાઓ પરના ઘરેલું હિંસામાં વધારો જોવા મળ્યો છે કારણ કે દ્યણી જગ્યાએ સરકારોએ લોકડાઉન અને અન્ય પ્રતિબંધોનો આદેશ આપ્યો હતો જેના કારણે ઘણા લોકો ઘરની અંદર જ રહેવા મજબૂર બન્યા હતા.

WHOના ડિરેકટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેએયિયસે કહ્યું કે, 'મહિલાઓ સામે હિંસા દરેક દેશ અને સંસ્કૃતિમાં સદાયથી ચાલતી આવી છે, જે લાખો મહિલાઓ અને તેમના પરિવારોને નુકસાન પહોંચાડે છે, અને તેમાં કોવિડ -૧૯ મહામારી દરમિયાન વધારો થયો છે' WHOનાં ડિરેકટર જનરલ ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેએયિયસે સરકારો, વ્યકિતઓ અને સમુદાયોને સમસ્યાનું સમાધાન લાવવા માટે વિનંતી કરી.

૨૦૧૩ થી ડબ્લ્યુએચઓ દ્વારા આ પ્રકારનો પહેલો અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં મહિલાના ઇન્ટીમેટ પાર્ટનર અને નોન પાર્ટનર દ્વારા બંને પ્રકારની હિંસા આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ૭૩૬ મિલિયમ મહિલાઓ અને ૧૫ મિલિયનથી વધુ યુવતીઓએ આ પ્રકારની હિંસાનો ઓછામાં ઓછી એક વાર સામનો કર્યો છે.

'વૈશ્વિક સ્તરે, જયારે આપણે ઇન્ટીમેટ પાર્ટનર અને નોન પાર્ટનર દ્વારા જાતીય હિંસાના સંયુકત પ્રભાવને જોઇએ ત્યારે હિંસાના આવા સ્વરૂપોમાંથી ઓછામાં ઓછી એકનો અનુભવ કરનારી ત્રણ મહિલાઓમાંની એક છે,' તેમ WHOના જાતીય અને પ્રજનન સ્વાસ્થ્ય અને સંશોધન યુનિટના ડો. કલાઉડિયા ગાર્સિયા-મોરેનોએ જણાવ્યું હતું.

એજન્સીનું કહેવું છે કે ઇન્ટીમેટ પાર્ટનર દ્વારા થતી હિંસા એ વિશ્વભરમાં મહિલાઓ પર થતી હિંસાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે, જે લગભગ ૬૪૧ મિલિયન લોકોને અસર કરે છે. પરંતુ ભાગ લેનારી ૬ ટકા મહિલાઓએ તેમના જીવનસાથી સિવાય અન્ય કોઈ દ્વારા જાતીય શોષણ થયાની જાણ કરી હતી. અને યૌન શોષણના કલંક અને જરૂરિયાત પૂરતા રિપોર્ટિંગના અભાવના કારણે સાચા આંકડાઓ સામે આવી શકતાં નથી.

રિસર્ચમાં જોવા મળ્યું છે કે આવી હિંસા ઓછી અને મધ્યમ-આવક ધરાવતા દેશોમાં મહિલાઓને અપ્રમાણસર અસર કરે છે, કેટલાક દેશોમાં લગભગ અડધો અડધ મહિલાઓનો વ્યાપ દર્શાવે છે.

(11:41 am IST)