Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

ઇડીની મોટી કાર્યવાહી :બસપાના પૂર્વ MLC ઈકબાલ અને તેના પરિવારની1097 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

ખાંડની મિલોના વેચાણના ગોટાળામાં ઈડીએ સપાટો બોલાવ્યો

ઉત્તર પ્રદેશના ખાંડની મિલોના વેચાણના ગોટાળામાં ઈડીએ તાજેતરમાં સપાટો બોલાવ્યો છે. માયાવતીના રાજમાં થયેલા આ કાંડમાં ઈડીએ બસપાના એમએલસી ઈકબાલ અને તેના પરિવારની 1097 કરોડની સંપત્તી ટાંચમાં લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે વર્ષ 2010-2011 દરમિયાન માયાવતીના શાસન દરમિયાન 11 જેટલી ખાંડની મિલોને આડેધડ વેચી મારવામાં આવી હતી. આ ઉપરાંત આ જ સમયગાળામાં કુલ 21 જેટલી ખાંડની મિલોને ખૂબ જ સસ્તામાં વેચી દેવાઈ હતી. આ કેસમાં કેટલીક મિલોની તપાસમાં ખુલાસા થયા બાદ ઈકબાલનું નામ સામે આવ્યું હતું.
  અત્રે ઉલ્લેખનીય છે કે, 2007થી 2012 સુધી માયાવતીની સરકાર યુપીમાં હતી. આ દરમિયાન થયેલી ખાંડની મિલોના વેચાણમાં મોટા ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. આ દિશામાં યોગી આદિત્યનાથની વર્તમાન સરકાર દ્વારા સીબીઆઈની તપાસ માગવામાં આવી હતી. કેન્દ્રની મંજૂરી બાદ સીબીઆઈએ તપાસ કરી હતી અને તેના આધારે ઈડીએ પગલાં લીધા હતા. સીબીઆઈની એફઆઈઆરના આધારે ઈડીએ મની લોન્ડરિંગનો કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે, 2010-11માં જે ખાંડની મિલોના સોદા કરવામાં આવ્યા તેના કારણે રાજ્ય અને કેન્દ્ર સરકારને 1179 કરોડનું નુકસાન ગયું હતું. જાણકારોના મતે વિવિધ શેલ કંપનીઓ બનાવીને મોહમ્મદ ઈકબાલ અને તેના પરિવારે ખાંડની મિલોના અધિગ્રહણમાં ભાગ લીધો હતો. બારાબાંકી, દેવરીયા, કુશીનગર અને બરેલીમાં આ બનાવટી મિલો આવેલી હોવાનું બતાવાયું હતું.

(11:31 am IST)