Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 42 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કર્યા :લગાવ્યો પ્રતિબંધ :3 વર્ષમાં અનેક આતંકવાદીઓ ઠાર મરાયા

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં, 2019ની તુલનામાં 2020 માં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો

નવી દિલ્હી : કેન્દ્રિય ગૃહ મંત્રાલયે 42 સંગઠનોને આતંકી સંગઠન જાહેર કર્યા છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન જી. કિશન રેડ્ડીએ લોકસભામાં જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે અને મોટી સંખ્યામાં આતંકવાદીઓને પણ ખતમ કરવામાં આવ્યા છે. લોકસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન એક પ્રશ્નનાં લેખિત જવાબમાં ગૃહ રાજ્યપ્રધાન જી. કિશન રેડ્ડીએ કહ્યું કે સરકારે 42 સંગઠનોને આતંકી સંગઠનો તરીકે જાહેર કર્યા છે. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ-1967 નાં પ્રથમ શિડ્યુલમાં દાખલ કરવામાં આવી છે

અહેવાલો મુજબ જી કિશન રેડ્ડીએ માહિતી આપી કે, કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર પ્રદેશમાં, 2019ની તુલનામાં 2020 માં આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો થયો છે. વર્ષ 2019 માં જમ્મુ કાશ્મીરમાં 594 આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે તેમની સંખ્યા 2020 માં ઘટીને 244 થઈ ગઈ હતી.

PTIનાં સમાચાર મુજબ સરકારે લોકસભાને માહિતી આપી કે 2018 થી 2020 ની વચ્ચે કુલ 635 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો. જ્યારે જમ્મુ-કાશ્મીરનાં 115 સામાન્ય નાગરિકોએ વિવિધ આતંકવાદી ઘટનાઓમાં પોતાનો જીવ ગુમાવ્યો છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન આતંકવાદીઓની હત્યામાં પણ વધારો થયો છે. જ્યારે 2019 માં 157 આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો, જ્યારે 2020 માં તે સંખ્યા 221 હતી.

રેડ્ડીએ એમ પણ કહ્યું કે છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાન સાથેની સરહદ પર ઘૂસણખોરીની 61 ઘટનાઓ બહાર આવી છે. જ્યારે બાંગ્લાદેશ સરહદ પર 1,045 અને નેપાળ બોર્ડર પર 63 ઘુસણખોરીની ઘટનાઓ નોંધાઈ છે.

(10:41 am IST)