Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સ્વદેશી કોરોના રસી કોવેકિસન સંપૂર્ણ સુરક્ષિત

અસરદાર સાબિત થઇ રહી છે કોવેકિસન : વધી રહી છે એન્ટીબોડી : લાન્સેટ

નવી દિલ્હી,તા. ૧૦: હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક દ્વારા વિકસાવાયેલી દેશની એકમાત્ર સ્વદેશી કોરોના રસી કોવેકિસનના બીજા તબક્કાની કિલનિકલ ટ્રાયલનાં પરિણામો લાન્સેટ જર્નલમાં પ્રસિદ્ઘ કરાયાં છે. તેમાં દાવો કરાયો છે કે વેકિસનના હાયર ડોઝ લેનારા પૈકીના ૯૬ ટકા લોકોમાં રોગપ્રતિકારક શકિત વિકસી છે.

બીજા તબક્કાની કિલનિકલ ટ્રાયલમાં રસી દ્વારા કોરોના વાઇરસની સામે રોગપ્રતિકારક શકિત વિકસે છે અને તે કેટલી સુરક્ષિત રહે છે તે પાસા ચકાસવામાં આવ્યાં હતાં.

લાન્સેટે જણાવ્યું હતું કે, બીજા તબક્કાની ટ્રાયલના આધારે વેકિસનની અસરકારકતા નક્કી કરી શકાય નહીં. કોવેકિસન સુરક્ષિત છે અને તેને બે થી ૮ ડિગ્રી તાપમાને સંગ્રહ કરી શકાય છે. જે મોટાભાગના દેશોમાં કોલ્ડ ચેઇન સુવિધાઓ સાથે સુસંગત છે. જોકે હજુ આ રસીની બાળકો ને ૬૫થી વધુ વયના વૃદ્ઘો પર કેવી અસર રહે છે તેની ચકાસણી બાકી છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, સોમવારે એક જ દિવસમાં કોરોના રસીના રેકોર્ડ ૨૦ લાખથી વધુને કોરોનાના ડોઝ અપાયા હતા. કોરોના રસીકરણ અભિયાનના બાવનમા દિવસે દેશમાં ૨૦,૧૯,૭૨૩ ડોઝ અપાયા હતા. જેમાંથી ૧૭,૧૫,૩૮૦ને પ્રથમ ડોઝ અને ૩,૦૪,૩૪૩ને બીજો ડોઝ અપાયો હતો. જેમાં ૧૨,૨૨,૩૫૧ લોકો ૬૦ પ્લસ અને ૨,૨૧,૧૪,૮૪૫ પ્લસ રહ્યાં હતાં. દેશમાં અત્યાર સુધીમાં ૨,૩૦,૦૮,૭૩૩ ડોઝ અપાયા છે.

(10:38 am IST)