Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પૈસા આપવાની ના પાડી તો માતાપિતા પર ઠોકી દીધો કેસ

ઓકસફર્ડ યુનિવર્સિટી પર મુકદમો કરી ચૂકયો છે આ સ્નાતક બેરોજગાર

લંડન,તા. ૧૦: ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ એક બેરોજગાર વ્યકિતએ તેના માતાપિતા સામે આજીવન ગુજારો ચલાવવા પૈસા આપવા માટે કેસ કર્યો છે. ૪૧ વર્ષનો ફૈઝ સિદ્દીકી એક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાંથી સ્નાતક છે અને લાંબા સમયથી બેકાર છે. તેનો દાવો છે કે તે સંપૂર્ણ રીતે પોતાના અમીર માબાપ પર નિર્ભર છે. ફૈઝે ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે તેના માતાપિતા પર કેસ કર્યો છે, અને માંગ કરી છે કે તેઓ તેને જીવનભર રખરખાવ -જાળવણી ખર્ચ આપે છે. ફૈજના માતાપિતા દુબઈમાં રહે છે. ફૈઝ લંડનમાં તેના ફ્લેટમાં રહે છે. ફૈઝ ૨૦ વર્ષથી ભાડુ ચૂકવ્યા વિના તેમાં રહે છે. આ ફ્લેટ લંડનના હાઇડપાર્ક સ્થિત છે, જેની કિંમત ૧ મિલિયનથી વધુ છે.

ફૈજના માતાપિતા વૃદ્ઘ થયા છે. તેની માતા ૬૯ વર્ષ અને પિતા ૭૧ વર્ષના છે. હાલના સમયે તે દર અઠવાડિયે ખર્ચ માટે ૪૦૦ પાઉન્ડ અર્થાત ૪૦ હજાર રૂપિયા ફૈઝને પહોંચાડે છે. ફૈઝ તેના માતાપિતા પાસેથી દર મહિને દોઢ લાખ રૂપિયા જેટલા લે છે. ફૈઝને પૈસા મોકલવા ઉપરાંત તેના બીલ પણ ચૂકવે છે. પરસ્પરના તનાવ અને ઝઘડાને કારણે માતા-પિતાએ તેને પૈસા આપવાનો ઇનકાર કર્યો હોવાથી ફૈઝે તેના માતાપિતા સામે કેસ કર્યો છે.

ફૈઝ સિદ્દીકીનો દાવો છે કે તે આજીવન તેના માતાપિતા તરફથી આર્થિક સહાય મેળવવા માટે હકદાર છે કારણ કે નાનપણથી જ તેની 'નબળી તબિયત'ના કારણે તેની કારકિર્દી અને જીંદગીને મોટું નુકસાન થયું છે. તેનું કહેવું છે કે જો તેના માબાપ તેને આર્થિક સહયોગ નહીં આપે તો તે 'માનવાધિકાર ભંગ'ની ઘટના ગણાશે.

ઓકસફર્ડ યુનિવર્સિટીમાંથી ૧ મિલિયન પાઉન્ડની માંગ કરવામાં આવી હતી

ફૈજના માતાપિતાના વકીલ જસ્ટિન વર્ષાએ જણાવ્યું હતું કે તે લાંબા સમયથી તેના પુત્રને આર્થિક સહાય પૂરી પાડે છે, પરંતુ હવે તે આવું કરવા માંગતા નથી. ફૈઝ અગાઉ પણ પૈસાની માંગ માટે દાવાઓ કરી ચૂકયો છે. ૨૦૧૮ માં, તેણે તેની પોતાની ઓકસફર્ડ યુનિવર્સિટી સામે કેસ કર્યો અને ૧ મિલિયન પાઉન્ડની માંગ કરી. તેમણે આક્ષેપ કર્યો હતો કે ઓકસફર્ડ યુનિવર્સિટીમાં ભણતરનું ધોરણ સારું નથી જેના કારણે તેને નુકસાન સહન કરવું પડ્યું હતું અને તેઓ કોઈ સારી લો કોલેજમાં પ્રવેશ લઈ શકયા ન હતા. કોર્ટે ફૈઝના કેસને ફગાવી દીધો હતો.

(10:37 am IST)