Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પાંચ રાજયોની ચૂંટણીઓ પત્યા પછી પેટ્રોલ-ડીઝલના ભાવ રોકેટ ગતિએ વધશે?

ચૂંટણીઓ યોજાવાની હોવાથી છેલ્લા ૧૦ દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર રાખવામાં આવ્યા છે : બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે પણ આવું જ થયું હતું : આંતરરાષ્ટ્રીય બજારમાં હાલમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે વધારાના સંકેત મળી રહ્યા છે.* ચૂંટણીઓને લઈને ઓઈલ કંપનીઓ ભાવ વધારવાનું જોખમ નથી લઈ રહી.*કેન્દ્ર સરકાર પર એકસાઈઝ ડ્યૂટી ઘટાડવાનું દબાણ વધી રહ્યું છે.

નવી દિલ્હી,તા. ૧૦: ગઇ કાલે સતત ૧૦મી દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર નથી થયો. જોકે, હાલમાં આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં ભારે વધારાના સંકેત મળી રહ્યા છે. ઈતિહાસ પર નજર કરીએ તો શકયતા છે કે, પાંચ રાજયોમાં વિધાનસભા ચૂંટણી થવાની હોવાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફેરફાર નથી કરાઈ રહ્યો. આવું જ બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે પણ થયું હતું.

હાલમાં ચૂંટણીની મોસમ છે, એટલે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સ્થિરતા છે. પરંતુ આસામ, કેરળ, તમિળનાડુ, પુડુચેરી અને પશ્યિમ બંગાળમાં ચૂંટણીઓ પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝડપથી વધારો થવાની આશંકા છે. તેનું કારણ છે કે ક્રૂડ ઓઈલનો ભાવ સોમવારે ૭૦ ડોલર પ્રતિ બેરલે પહોંચી ગયો છે. જોકે, ગત સોમવારની સાંજે તે લગભગ બે ડોલર ઘટી ગયો હતો. પરંતુ, મંગળવારે શરૂઆતના વેપારમાં જ તે ફરી ૦.૫૦ ડોલર વધી ગયો. જાણકારોના કહેવા મુજબ, આવનારા સમયમાં જે સ્થિતિ છે, તેમાં ક્રૂડ ઓઈલના ભાવ ૮૦થી ૯૦ ડોલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે.

હાલમાં ઘણી જગ્યાએ પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયા પ્રતિ લિટરથી વધી ગઈ છે. એવામાં કેન્દ્ર સરકાર પર એકસાઈઝ ડ્યૂટી ઘટાડવાનું દબાણ ઊભું થઈ રહ્યું છે. હાલમાં પાંચ રાજયોની ચૂંટણીને જોતા કેન્દ્ર સરકાર એકસાઈઝ ડ્યૂટી ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. હાલમાં સરકારી ઓઈલ કંપનીઓ પણ પેટ્રોલ તેમજ ડીઝલની કિંમતોમાં વધારો કરવાનું જોખમ નથી લઈ રહી. પરતું, કંપનીઓ વધુ સમય સુધી ખોટ સહન નહીં કરી શકે. જયારે ચૂંટણી પૂરી થશે, તે પછી ફરીથી કિંમતો ઝડપથી વધી શકે છે. કેમકે, ક્રૂડ ઓઈલનો ભાવ ૯૦ ડોલર સુધી જવાનો અંદાજ છે.

ગત ચાર દિવસો દરમિયાન જ આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ ૬ ડોલર પ્રતિ બેરલનો વધારો થઈ ચૂકયો છે. તે ગત બે વર્ષના હાઈ લેવલ પર છે. એપ્રિલ ૨૦૧૯માં ક્રૂડ ઓઈલનો ભાવ ૬૯ ડોલર પ્રતિ બેરલ પર હતો, જે સોમવારે ૭૦ ડોલર સુધી પહોંચી ગયો. હકીકતમાં, ઓપેક અને અન્ય ઓઈલ ઉત્પાદક દેશોની ગત ગુરુવારે મળેલી બેઠકમાં ક્રૂડ ઓઈલનું ઉત્પાદન વધારવા પર સંમતિ સધાઈ ન હતી. બીજી તરફ, મંગળવારે જ સાઉદી અરેબિયાના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રકચર પર ડ્રોન અને મિસાઈલથી હુમલો થયો છે. તેનાથી સેન્ટિમેન્ટ ખરાબ થયું છે.

(10:37 am IST)