Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

પેટ્રોલ બાદ હવે ખાદ્યતેલ પણ મોંઘું: એક વર્ષમાં ૬૦ ટકા ભાવવધારો

લોકો પર મોંઘા તેલનો ડબલ અટેક થયો છે : એક તરફ જ્યાં મોંઘા ક્રૂડના કારણે પેટ્રોલ- ડીઝલના ઉંચા ભાવે કમર તોડી છે તો ખાદ્યતેલના ભાવે રસોડાનો સ્વાદ બગાડ્યો છે

નવી દિલ્હી,તા.૧૦: કંઝયૂમર પર મોંઘા તેલનો ડબલ અટેક થયો છે. એક તરફ જયાં મોંઘા ક્રૂડના કારણે પેટ્રોલ-ડીઝલના ઉંચા ભાવે કમર તોડી છે તો ખાદ્યતેલના ભાવે રસોડાનો સ્વાદ બગાડ્યો છે. છેલ્લા એક વર્ષમાં ક્રૂડના ભાવમાં જયાં ૯૫ ટકાની તેજી આવી છે, તો બીજી તરફ જુદા જુદા ખાદ્યતેલના ભાવ છેલ્લા એક વર્ષમાં ૩૦ થી ૬૦ ટકા સુધી મોંઘા થયા છે. એટલે કે કંઝયૂમર પર મોંઘવારીનો ડબલ માર છે.

ક્રૂડ પામ તેલ રેકોર્ડ ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. સોયાબીન, સોયા તેલના ભાવ નવી ઉંચી સપાટી પર આવ્યા છે. એક વર્ષમાં તેમના ભાવ ૩૦ ટકા થી ૬૦ ટકા સુધી વધ્યા છે. જેનાં કારણે ખાદ્ય તેલ એટલું મોંઘું થઈ ગયું છે. હવે વાત તે કારણની જેનાથી ખાદ્ય તેલના ભાવમાં આટલો વધારો થયો છે.

ખાદ્ય તેલની ગ્લોબલ સપ્લાય ઘટી છે, બાય ફ્યૂલ માટે ક્રૂડ પામ તેલની ડિમાન્ડમાં તેજી આવી છે, તો બીજી તરફ ચીનમાં પણ સોયાબીનની ડિમાન્ડ સતત વધી રહી છે. બ્રાઝિલ, આર્જેટીનામાં ખરાબ હવામાનના કારણથી ઉત્પાદન પર અસર પડી છે અને ઘરેલૂ બજારમાં પણ વપરાશમાં વધારો થયો છે. તહેવારની સીઝનમાં ખાદ્ય તેલની માંગ વધશે અને ભાવ વધી શકે છે.

Indian Vegetable Oil Producers’ Association (IVPA) ના પ્રમુખ સુધાકર દેસાઈના કહેવા પ્રમાણે, 'ફેબ્રુઆરીમાં તેજી પામ તેલ અને સન તેલને કારણે હતી, છેલ્લા બે અઠવાડિયામાં આ તેજી સોયાબીનના તેલને કારણે હતી. બ્રાઝિલમાં હવામાન ખૂબ ખરાબ છે, ત્યાં ઘણો વરસાદ પડ્યો છે. સન ફ્લાવર તેલ ૧૭૦૦ ડોલર પર પહોંચી ગયું છે, જે રેકોર્ડ ઉંચું છે. સ્થાનિક બજારની વાત કરીએ તો ફેબ્રુઆરીમાં શિપમેન્ટ ખૂબ ઓછું હતું, માંડ ૪ લાખ ટન પામ ભારત આવ્યું હતું, ૪ લાખ ટન સોયા આવ્યું છે. એપ્રિલ-મે સુધી પણ બજારમાં ઘટાડો થવાની સંભાવના નથી, એટલે કે બે મહિના સુધી ખાદ્યતેલમાં રાહત મળે તેવી આશા નથી.

પેટ્રોલ ડીઝલના ભાવ નવા રેકોર્ડ સ્તરે છે. દરરોજ ક્રૂડ ઓઇલ નવી ઉંચાઈને સ્પર્શી રહ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૧૪ મહિનાની ઉંચાઇએ પહોંચી ગયો છે, જયારે WTI ક્રૂડ ૩ વર્ષની ઉંચાઇએ ટ્રેડ કરી રહ્યો છે. એક વર્ષમાં ક્રૂડ તેલમાં ૯૫ ટકાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતો અપેક્ષા કરી રહ્યા છે કે ક્રૂડ તેલ ૮૦ ડોલર સુધી પહોંચશે. હાલમાં ક્રૂડ તેલ ૬૫ ડોલરની ઉપર ટ્રેડ કરી રહ્યું છે.

(10:36 am IST)