Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જજ પર સ્લિપર ફેંકનારાને બે વર્ષની કેદ

થાણે,તા.૧૦: ડિસ્ટ્રિકટ જજ પર સ્લિપર ફેંકી અપશબ્દો બોલવા બદલ ૩૫ વર્ષના આરોપીને બે વર્ષની જેલની સજા ફટકારાઈ હતી.

ડિસ્ટ્રિકટ જજ પી. એમ. ગુપ્તાએ ૫ માર્ચે આરોપી ગણેશ લક્ષ્મણ ગાયકવાડને કસૂરવાર ઠેરવ્યો હતો. જજે આપેલા આદેશની નકલ સોમવારે પ્રાપ્ત થઈ હતી.

એડિશનલ પબ્લિક પ્રોસિકયુટર એસ. એમ. દાંડેકરે કોર્ટને જણાવ્યું હતું કે નવી મુંબઈમાં મજૂરી કરનારા આરોપીને થાણે સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો અને કેસની સુનાવણી માટે તેને ૨૮ જૂન, ૨૦૧૯ના રોજ ડિસ્ટ્રિકટ એન્ડ એડિશનલ સેશન્સ જજ આર. એસ. ગુપ્તાની કોર્ટમાં હાજર કરાયો હતો.

સુનાવણી દરમિયાન આરોપીએ કોર્ટને જાણ કરી હતી કે કોર્ટ દ્વારા પૂરો પાડવામાં આવેલો એડ્વોકેટ સુનાવણી દરમિયાન હાજર રહેતો નથી. આ મુદ્દે જજે આરોપીને જણાવ્યું હતું કે કોર્ટ બીજો વકીલ નિયુકત કરશે અને આગલી તારીખે સુનાવણી હાથ ધરાશે.

આ વાતને લઈ ઉશ્કેરાયેલા આરોપીએ તેણે પહેરેલું એક સ્લિપર કાઢ્યું હતું અને જજની દિશામાં ફેંકયું હતું, જે તેમને વાગ્યું હતું. એ સિવાય આરોપીએ અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો.

પોતાના આદેશમાં જજે નોંધ્યું હતું કે આરોપીએ કરેલો ગુનો ગંભીર પ્રકારનો છે અને તે સહાનુભૂતિને લાયક નથી.

(10:35 am IST)