Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

જીએસટી : ૫૦ કરોડના ટર્નઓવર માટે ૧ લી એપ્રિલથી ફરજિયાત ઇ-ઇનવોઇસ

૧૦૦ કરોડના ટર્નઓવરના બદલે ૫૦ કરોડના જ ટર્નઓવર માટે નિયમ લાગુ કરાયો

નવી દિલ્હી,તા. ૧૦: બોગસ બિલિંગ અટકાવવા માટે કેન્દ્ર સરકારના મોટા ભાગના પ્રયાસ નિષ્ફળ જતાં હોવાના કારણે હવે ૫૦ કરોથી વધુ ટર્નઓવર ધરાવનારાઓએ એક એપ્રિલથી ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવા પડશે. તેના કારણે નાના વેપારીઓની મુશ્કેલી વધવાની શકયતા રહેલી છે.

જીએસટી દ્વારા પહેલા ૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવનારાઓએ ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમાં સુધારો કરીને ૧૦૦ કરોડનું ટર્નઓવર ધરાવનારાઓએ પણ ઇ-ઇનવોઇસનો નિયમ લાગુ કરવામાં આવનાર હતો. જ્યારે હાલમાં જ બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં એક એપ્રિલથી ૫૦ કરોડ અને તેના કરતાં વધુ ટર્નઓવર ધરાવનાર વેપારીએ પણ ફરજિયાત ઇ-ઇનવોઇસ બનાવવાનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આવું કરવા પાછળનું કારણ એવું છે કે અનેક નિયમો બનાવવા છતાં હજુ પણ બોગસ બિલિંગને અટકાવી શકવામાં આવ્યું નથી. જેથી ૫૦ કરોડ અને તેના કરતા વધુ ટર્નઓવર ધરાવનારા પોર્ટલ પરથી જ ઇ-ઇનવોઇસ બનાવો તો તેનો તમામ ડેટા જીએસટી પાસે ઓનલાઇન જ મળી રહેશે. તેના કારણે બોગસ બિલિંગ કરનારાઓને સરળતાથી ઝડપી શકાય તેવો મત હાલ તો જીએસટી અધિકારીઓનો છે. પરંતુ આ નિયમ લાગુ કરવામાં આવ્યા બાદ સૌથી વધુ પરેશાની નાના વેપારીઓને થવાની છે.

૫૦ના બદલે ૧૦૦ કરોડ માટે આ નિયમ લાગુ થવો જોઇએ

૫૦ કરોડ માટે ઇ-ઇનવોઇસનો નિયમ લાગુ કરવામાં આવતા નાના વેપારીઓની પરેશાની વધવાની છે. એએસએમઇ સેકટરમાં આવા વેપારીઓની સંખ્યા બહોળા પ્રમાણમાં હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા આ અંગે ફેરવિચારણા કરીને ૧૦૦ કરોડનુ઼ ટર્નઓવર ધરાવનારાઓ માટે આ નિયમ લાગુ કરવો જોઇએ.

-નિશાંત શાહ (સીએ)

(10:34 am IST)