Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

સાત વર્ષમાં LPGનો ભાવ ડબલઃ મળતી સબસિડી પણ ખતમ

માત્ર છેલ્લા ૩૨ દિવસમાં ભાવમાં ૧૨૫ રૂપિયાનો વધારો થયો છેઃ છેલ્લા સાત વર્ષમાં ગેસ સિલિન્ડરની કિંમત બમણી થઈને ૮૧૯ રૂપિયા થઈઃ ૧ માર્ચ, ૨૦૧૪ના રોજ ગેસ સિલિન્ડરનો ભાવ ૪૧૦.૫૦ રૂપિયા હતો

નવી દિલ્હી, તા.૧૦: રાંધણ ગેસ અથવા ન્ભ્ઞ્ની કિંમત છેલ્લા સાત વર્ષમાં બમણી થઈ ગઈ છે. વધતા જઈ રહેલા ભાવની સાથે-સાથે મળતી સબસિડી પણ ખતમ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં પૂછવામાં આવેલા એક સવાલનો જવાબ લેખિતમાં આપતા કહ્યું કે, ભારત સરકાર તરફથી પેટ્રોલ અને ડીઝલના વેચાણમાંથી ટેકસ વસૂલાત આ સમયગાળા દરમિયાન વધેલા ટેકસના પરિણામે સાડા ચાર ગણો વધ્યો છે.

સોમવારે વધતા જતા ઈંધણના ભાવ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ અનુસાર, ૨૦૧૪ના પહેલી માર્ચે LPG સિલિન્ડરનો ભાવ ૪૧૦.૫૦ રૂપિયા હતો અને આ મહિને તે વધીને ૮૧૯ રૂપિયા થયો છે. આ ભાવ દિલ્હીના છે અને અન્ય રાજયમાં તે ટેકસ પ્રમાણે બદલાય છે.

માત્ર છેલ્લા ૩૨ દિવસમાં LPG સિલિન્ડરનો ભાવ ૧૨૫ રૂપિયા વધ્યો છે, જેના કારણે મધ્યમ તેમજ ગરીબ વર્ગના પરિવારના બજેટને ફટકો પડ્યો છે.

વધતા જઈ રહેલા ઈંધણના ભાવ અંગે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, પેટ્રોલ અને ડિઝલના ભાવ ક્રમશઃ ૨૬ જૂન, ૨૦૧૦ અને ૧૯ ઓકટોબર, ૨૦૧૪થી નિયંત્રિત થઈ ગયા હતા. રિટેલરોએ 'આંતરરાષ્ટ્રીય ઉત્પાદનોના ભાવ, રુપિયાના વિનિમય દર, કરનું માળખું તેમજ અન્ય ખર્ચ તત્વો'ની સાથે ભાવ નક્કી કર્યા હતા.

રિટેલ ભાવ પ્રમાણે, ૨૦૧૩માં ઈંધણના વેચાણથી થયેલી આવક ૫૨,૫૩૭ કરોડ રૂપિયા હતી, જે ૨૦૧૯-૨૦માં વધીને ૨.૧૩ લાખ કરોડ થઈ હતી અને માત્ર ૧૧ મહિનામાં જ એટલે કે ૨૦૨૦-૨૧માં તે ૨.૯૮ લાખ કરોડ થઈ છે.

પેટ્રોલ પર ૩૨.૯૦ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર ૩૧.૮૦ રૂપિયા પ્રતિ લિટર એકસાઈઝ ડ્યૂટી લાગે છે. ૨૦૧૮માં પેટ્રોલ પરની એકસાઈઝ ડ્યૂટી ૧૭.૯૮ રૂપિયા અને ડીઝલ પર ૧૩.૮૩ રૂપિયા હતી.

ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, કેન્દ્ર સરકારનું પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યૂઅલ, નેચરલ ગેસ અને ક્રૂડ ઓઈલ પરનું કુલ એકસાઈઝ કલેકશન ૨૦૧૬-૧૭માં ૨.૩૭ કરોડ રૂપિયા હતું, જે એપ્રિલ-જાન્યુઆરી ૨૦૨૦-૨૧માં વધીને ૩ લાખ કરોડ રૂપિયા થયું છે.

(10:33 am IST)