Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

શનિ-રવિ-સોમ-મંગળ સરકારી બેંકો બંધ રહેશે

કાલે બેંકોમાં મહાશિવરાત્રીની રજાઃ શુક્રવારે ચાલુઃ શનિવારથી ૪ દિવસ કામકાજ ખોરવાશે

નવી દિલ્હી, તા.૧૦: નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં આડીબીઆઇ બેંક ઉપરાંત બે અન્ય સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી. જેનો બેંક કર્મચારીઓ દ્વારા સતત વિરોધ થઇ રહયો છે. હવે યુનિયનોએ આવતા અઠવાડીયે બે દિવસની હડતાલની જાહેરાત કરી છે. ખાનગીકરણના વિરોધમાં સરકારી બેંકોના કર્મચારીઓએ ૧૫ અને ૧૬ માર્ચે હડતાલની જાહેરાત કરી છે. નવ બેંક યુનિયનના કેન્દ્રિય સંગઠન યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સે આ હડતાલનું એલાન કર્યુ છે. હડતાલના કારણે સરકારી બેંકોના કામકાજ પર અસર થશે.

દેશની સૌથી મોટી બેંક એસીબીઆઇના કામકાજ પર પણ આ હડતાલની અસર થવાની છે. બેંકે સ્ટોક એકસચેંજને આપેલ માહિતીમાં કહયું છે કે બેંક, કર્મચારીઓની હડતાલની અસર બેંકના કામકાજ પર થઇ શકે છે. કેમ કે બેંક યુનિયનોએ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરી છે. આ હડતાલથી ગ્રાહકોને મુશ્કેલી થઇ શકે છે, કેમ કે સતત ૪ દિવસ સુધી સરકારી બેંકો બંધ રહી શકે છે. ૧૫ માર્ચે સોમવાર અને ૧૬ માર્ચે મંગળવાર છે. આ બે દિવસ કર્મચારીઓ હડતાલ પર જશે. જયારે તેની પહેલા ૧૪ માર્ચે રવિવાર અને ૧૩ માર્ચે બીજો શનિવાર હોવાથી રજા છે. આમ સતત ૪ દિવસ સરકારી બેંકો બંધ રહેશે.

જો બેંકના કોઇ કામ જરૂરી હોય તો ૧૧ માર્ચ પહેલા પતાવી લેવા કેમ કે ૧૧ માર્ચથી ૧૬ માર્ચ દરમ્યાન ફકત એક દિવસ ૧૨ માર્ચને શુક્રવારે બેંકમાં કામકાજ થશે. ૧૧ માર્ચે મહાશિવરાત્રીની રજા આવે છે.

(10:33 am IST)