Gujarati News

Gujarati News

News of Wednesday, 10th March 2021

૧૬ વર્ષના યુવકના મોઢામાં વેકયૂમ કલીનરથી બળજબરી પૂર્વક હવા ભરવામાંઆવી

પીલીભીત જિલ્લામાં પોલીસે ૧૬ વર્ષીય કિશોરની હત્યા સંદર્ભે ૩ લોકો સામે કેસ નોંધ્યો

પીલીભીત, તા.૧૦: ઉત્તર પ્રદેશના પીલીભીત જિલ્લામાં ૧૬ વર્ષીય યુવકની હત્યા કરવા માટે ૩ લોકો સામે ગુનો દાખલ કરાયો છે. આરોપ છે કે આ ત્રણેય લોકોએ વેકયૂમ કલીનરથી કિશોરના મોઢામાં બળજબરીથી હવા ભરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારબાદ કિશોરનું મોત નીપજયું હતું. આ કેસમાં પોલીસે મૃતકના પિતાએ ગુનો નોંધાવ્યો છે.

મળતી માહિતી મુજબ બરેલી કોટવાલી વિસ્તારનો રહેવાસી યુવકને ગુરુવારે સવારે કેટલાક ગ્રામજનો મજૂરી અપાવવાના બહાને એક ચોખાની મિલમાં લઈ ગયા હતા. આરોપ છે કે અહીં આ કિશોરના મોઢામાં વેકયુમ કલીનર લગાવીને હવાને બળપૂર્વક ભરવાનો પ્રયાસ થયો હતો. આ દરમિયાન તેની હાલત વધુ વણસી હતી અને પછી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું.

યુવકના મોત બાદ તેના પિતાની ફરિયાદ મુજબ ખમરિયા પટ્ટી ગામના રહેવાસી અમિત, સૂરજ અને કમલેશ વિરુદ્ઘ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. તેમાંથી કમલેશની ધરપકડ કરીને જેલમાં મોકલી દેવાયો છે. બાકીના બે આરોપીની શોધખોળ ચાલુ છે.

પોલીસના જણાવ્યા મુજબ યુવકનું મોત મગજની નસ ફાટવાને કારણે થયું હતું અને આ મામલે પોસ્ટમોર્ટમ રિપોર્ટની મૂળ નકલની રાહ જોવામાં આવી રહી છે. એફઆઈઆરમાં આરોપી કમલેશની પોલીસે ધરપકડ કરી છે જયારે તેના બે સાથીઓ હજી ફરાર છે.

(10:33 am IST)