Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

હિમાચલમાં જનજીવન થીજી ગયું: કાલથી ૪ દિ ભારે વરસાદ-બરફ વર્ષાનું અનુમાનઃ ૧૨મી માટે ઓરેન્જ એલર્ટ

કેદારનાથમાં ૬ ફુટ બરફ પડયોઃ બદ્રીનાથ ધામ અને આસપાસના ઉંચાઇવાળા વિસ્તારોમાં સતત બરફ વર્ષા : પાણીની લાઇનો જામઃ વાહન વ્યવહારને માઠી અસરઃ દુધ-બ્રેડ પણ નથી પહોંચી શકતા

શિમલા : મનાલીમાં ઠંડીનો કહેર સતત ચાલુ છે. અહિં તાપમાન સતત માઇનસમાં ચાલી રહયું છે. આ સીઝનનું સૌથી ઓછુ તાપમાન માઇનસ ૭.૮ ડિગ્રી નોંધાયેલ. જેથી હોટલો અને ઘરોમાં પીવાના, જમવાનું બનાવવાના અને ન્હાવાના પાણી પાઇપલાઇન જામી જવાના કારણે નથી મળી રહયું  લોકો પાણી મેળવવા ભારે તકલીફ સહન કરી રહયા છે.

 જમ્મુ-કાશ્મીરથી લઇને ઉત્તરાખંડ સુધી પહાડોમાં બરફવર્ષા સતત ચાલુ છે. જેથી પર્યટકો ખુશ છે. પણ સ્થાનીકોએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહયો છે. આ રાજયોમાં તાપમાન સતત શુન્યથી નીચે નોંધાય રહયું છે.

ઉત્તરાખંડના મોટાભાગના વિસ્તારોમાં ૪૮ કલાકથી સતત બરફ વર્ષા થઇ રહી છે. વરસાદ અને ધુમ્મસ વચ્ચે નૈનીતાલમાં શરૂ થયેલ હિમપાતથી મુશ્કેલીઓ વધી છે. જયારે કેદારનાથમાં લગભગ ૬ ફુટ બરફ પડી ચુકયો છે. અહિં પહેલાથી જ પાંચ ફુટ બરફ પડેલો હતો. તુંગનાથમાં ૬ અને ચોપતામાં ૫ ફુટ બરફ પડયો છે.

અલમોડા અને પિથૌરાગઢમાં પણ ભારે બરફવર્ષા થઇ છે. ચોપતામાં પર્યટકોએ બરફવર્ષાની મજા માણી હતી. બદ્રીનાથ ધામની સાથે હેકકુંડ સાહીબ, રૂદ્રનાથ, ગૌરસો બુગ્યાલ, ઔલી સહિતના ઉંચાઇવાળા વિસ્તારોમાં સતત બરફવર્ષા થઇ હતી.

સિમલા, મનાલી અને કુફરીમાં પણ સતત બરફવર્ષાથી વાહનવ્યવહાર ખોરવાયો છે. ઉપરાંત કોઠી, ખાદરાલા, પુહ, ગોંદલા અનુ સરાહનમાં પણ બરફવર્ષા થઇ હતી. જયારે સિમલા, મનાલી, ડેલહાઉસી, કેલાંગ અને કલ્પામાં પારો શુન્યથી નીચે રહેલ.

મનાલીમાં જોરદાર ઠંડી વચ્ચે વિજળી ગુલ થતા સ્થાનીકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અહિં ત્રણ દિવસથી લાઇટ નથી. રોહતાંગ અન્ડરપાસ પરિયોજના પણ જનરેટર દ્વારા ચાલી રહી છે. શિમલામાં પણ બરફવર્ષાથી ચાર ટ્રાન્સફોર્મર બંધ થઇ ગયા છે.

સિમલામાં હવામાન વિજ્ઞાન વિભાગ કેન્દ્રના ડાયરેકટર મનમોહનસિંહે જણાવેલ કે ગુરૂવાર અને શુક્રવારે હવામાન સુકુ રહેશે.  વિભાગના અધિકારીઓએ જણાવેલ કે સડકો ઉપરથી બરફ હટાવવાનું કામ ચાલુ છે. હવામાન વિજ્ઞાન વિભાગે ૧૧ થી ૧૪ દરમિયાન મુશળધાર વરસાદ, મધ્ય અને ઉંચા પહાડોમાં બરફવર્ષાનું પણ અનુમાન દર્શાવ્યું છે. ઉપરાંત ૧૨મીએ રવિવારે ઓરેન્જ એલર્ટની ચેતવણી આપી છે. જેમા ભારે વરસાદ અને બરફવર્ષાની સંભાવના છે.

(1:02 pm IST)