Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

ઓમીક્રોનની દહેશત વચ્ચે આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ ફ્લાઇટ પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લાગુ રહેશે

અગાઉ, 15 ડિસેમ્બરથી આ સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો

નવી દિલ્હી : દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને, ભારતમાં આવનાર તેમજ ભારતથી જનાર આંતરરાષ્ટ્રીય કોમર્શિયલ પેસેન્જર  સેવાઓ પર લાદવામાં આવેલ પ્રતિબંધને લંબાવવામાં આવ્યો છે. હવે આ પ્રતિબંધ 31 જાન્યુઆરી 2022 સુધી લાગુ રહેશે. અગાઉ, 15 ડિસેમ્બરથી આ સેવાઓ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો કે, ઓમિક્રોનના ભયના પગલે આ નિર્ણય પાછો ખેંચાયો હતો.

કેન્દ્રીય આરોગ્ય સચિવે આજે ઓમિક્રોનને ધ્યાનમાં રાખીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે એક મહત્વપૂર્ણ બેઠક પણ કરી હતી. આ દરમિયાન રસીકરણની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે રાજ્યોને કોરોનાની સારવાર માટે નિર્ધારિત આઠ મહત્વપૂર્ણ દવાઓ માટે પૂરતો બફર સ્ટોક જાળવવામાં આવે તેની ખાતરી કરવા પણ વિનંતી કરી હતી.

આ દરમિયાન કેન્દ્ર સરકારે સિંગાપોરને જોખમની યાદીમાંથી હટાવી દીધું છે. જોખમી લિસ્ટમાંથી આવતા લોકોને કોરોના પ્રોટોકોલ હેઠળ એરપોર્ટ પર જ કોરોના ટેસ્ટ સહિત વધારાના પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. હાલમાં આ યાદીમાં દક્ષિણ આફ્રિકા, બોત્સ્વાના અને ચીન સહિત 12 દેશો આવે છે.

દરમિયાન, મહારાષ્ટ્ર સરકારે પણ કોરોના પ્રોટોકોલને કોઈપણ રીતે હળવા ન કરવાનો નિર્ણય લીધો છે. એવા અહેવાલ છે કે રાહુલ ગાંધીની પ્રસ્તાવિત મુલાકાત અંગેનો નિર્ણય હવે ઓમિક્રોનની સમીક્ષા બાદ લેવામાં આવશે. જ્યારે રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અજિત પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો ઓમિક્રોનના કેસ આ રીતે વધતા રહેશે તો વિચારવું પડશે.

(9:02 pm IST)