Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

દુર્ઘટના પહેલાનો વીડિયો આવ્યો સામે, બ્લેક બોકસ પણ મળ્યું

બ્લેક બોકસ હેલિકોપ્ટર કે પ્લેનની ઉડાન દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ રેકોર્ડ કરે છે

નવી દિલ્હી, તા.૯: તમિલનાડુના કુન્નૂર ખાતે બનેલી હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવત, તેમના પત્નિ મધુલિકા રાવત સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ દુર્દ્યટના પહેલાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં હેલિકોપ્ટર હવામાં ઉડતું જોવા મળી રહ્યું છે. એક પર્યટકે આ વીડિયો ઉતાર્યો હતો પરંતુ તેની સચ્ચાઈ અંગે કોઈ પૃષ્ટિ નથી થઈ.

વીડિયોમાં હેલિકોપ્ટર ગાઢ ધુમ્મસ વચ્ચે દેખાઈ રહ્યું છે અને એમ કહેવામાં આવી રહ્યું છે કે, આ વીડિયો દુર્ઘટનાની થોડી સેકન્ડ્સ પહેલાનો જ છે.

આ તરફ વાયુ સેનાની ટીમે દુર્ઘટના સ્થળેથી હેલિકોપ્ટરનું બ્લેક બોકસ જપ્ત કર્યું છે. આ બ્લેક બોકસની મદદથી અંતિમ સમયે શું બન્યું હતું તે જાણી શકાશે.

શું હોય છે બ્લેક બોકસ

કોઈ પણ પ્લેન કે હેલિકોપ્ટરનો સૌથી મહત્વનો હિસ્સો તેનું બ્લેક બોકસ હોય છે. તે હેલિકોપ્ટર કે પ્લેનની ઉડાન દરમિયાન તમામ પ્રકારની ગતિવિધિઓ રેકોર્ડ કરે છે. તે પાયલોટ અને એટીસી વચ્ચે થયેલી વાતચીતનો રેકોર્ડ એકઠો કરે છે. તે સિવાય પાયલોટ અને કો-પાયલોટ વચ્ચે થયેલી વાતચીત પણ તેમાં રેકોર્ડ થાય છે. તેને ડેટા રેકોર્ડર પણ કહેવામાં આવે છે.

(3:19 pm IST)