Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

મોબાઇલ સ્ટોરવાળાએ બહાર પાડી નવી સ્કીમઃ એક સ્માર્ટફોન પર એક કિલો કાંદા ફ્રી

ચેન્નાઇ,તા.૯: કાંદાના ભાવને લઈને લોકો જાતજાતની રીતે વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. એવામાં તામિલનાડુના એક મોબાઇલ સ્ટોરવાળાએ લોકોનું ધ્યાન ખેંચાય એવી ઓફર બહાર પાડી છે. પટ્ટુકોડાઇ શહેરમાં મોબાઇલ સ્ટોર ચલાવતા શ્રવણકુમાર નામના દુકાનદારે એક સ્માર્ટફોનની સાથે એક કિલો ડુંગળી ફ્રી આપવાની સ્કીમ બહાર પાડી છે. એ શહેરમાં હાલમાં કાંદાનો ભાવ ૧૪૦થી ૧૬૦ રૂપિયે કિલો છે. દુકાનની બહાર કાંદા ફ્રીની સ્કીમવાળા પાટિયાંને કારણે ગ્રાહકોની પૂછપરછ ખૂબ વધી ગઈ છે.

શ્રવણકુમારનું તો એટલે સુધી કહેવું છે કે પહેલાં તે એવરેજ બે સ્માર્ટફોન વેચતો હતો, પણ એક કિલો ફ્રી કાંદાની યોજના બહાર પાડ્યા પછી રોજના આઠ સ્માર્ટફોન વેચાય છે.

(10:16 am IST)