Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

સંજય રાઉત જેલ મુક્ત થતા સમર્થકોએ આતશબાજીથી કર્યું સ્વાગત: ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ હોસ્પિટલમાં થશે દાખલ

મુંબઈની વિશેષ અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ‘ચાલ’ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા

મુંબઈ : શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતને મુંબઈની પીએમએલએ કોર્ટ દ્વારા પાત્રાચાલ કૌભાંડ કેસમાં જામીન મળ્યા બાદ આજે આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. રાઉતને સાંજે 7 વાગ્યાની આસપાસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ રાઉત ઉદ્ધવ ઠાકરેને મળ્યા બાદ હોસ્પિટલમાં દાખલ થશે.

 મુંબઈની વિશેષ અદાલતે શિવસેનાના સાંસદ સંજય રાઉતને પાત્રા ‘ચાલ’ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપ્યા છે. જો કે, શિવસેનાના નેતાએ કહ્યું કે જેલમાંથી બહાર આવ્યા બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવશે.

  સંજય રાઉતના ભાઈ સુનીલ રાઉતે જણાવ્યું કે, “સંજય રાઉતની તબિયત ઠીક નથી. જેલમાંથી છૂટ્યા બાદ તેઓ ઉદ્ધવ ઠાકરેને મળશે. આ સિવાય તેઓ અન્ય કેટલીક જગ્યાએ પણ જશે. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે

  અત્રે ઉલ્લેખનીય છે કે સ્પેશિયલ જજ એમ.જી. દેશપાંડેએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રાઉતને જામીન આપ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એ આ વર્ષે જુલાઈમાં રાજ્યસભાના સભ્ય રાઉતની ઉપનગરીય ગોરેગાંવમાં પાત્રાચાલ પુનર્નિમાણ કાર્યમાં નાણાકીય ગેરરીતિઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.

(12:23 am IST)