Gujarati News

Gujarati News

News of Wednesday, 9th November 2022

કોંગ્રેસ સેવા દળના નેતા કૃષ્ણકાંત પાંડેનું ભારત જોડો યાત્રામાં નિધન

કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે : પાંડે યાત્રા દરમિયાન પડી ગયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા

મુંબઈ, તા.૮ : કોંગ્રેસ સેવા દળના નેતા કૃષ્ણકાંત પાંડેનું મંગળવારે 'ભારત જોડો યાત્રા' દરમિયાન નિધન થઈ ગયું હતું. કોંગ્રેસની 'ભારત જોડો યાત્રા' હાલમાં મહારાષ્ટ્રમાંથી પસાર થઈ રહી છે. ગત રાત્રે જ યાત્રાએ મહારાષ્ટ્રમાં પ્રવેશ કર્યો હતો. પાંડે કોંગ્રેસના સેવા દળમાં મહાસચિવના પદ પર હતા.

કોંગ્રેસે એક નિવેદનમાં જણાવ્યું કે, પાંડે યાત્રા દરમિયાન પડી ગયા હતા અને તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે જણાવ્યુ કે, પાંડે પાર્ટીના દિગ્ગજ દિગ્વિજય સિંહની સાથે હાથમાં તિરંગો લઈને ચાલીને પાછા ચાલ્યા ગયા હતા અને જે બાદ જ તેઓ પડી ગયા. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

રાજ્યસભાના સભ્યએ કહ્યું કે, તે કટ્ટર કોંગ્રેસી હતા અને નાગપુરમાં આરએસએસ સાથે લડતા હતા. ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાંડેના ચાહકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટ કર્યું કે, કોંગ્રેસ સેવાદળના મહાસચિવ કૃષ્ણકાંત પાંડેજીનું નિધન સમગ્ર કોંગ્રેસ પરિવાર માટે ખૂબ જ દુઃખદ છે. હું તેમના પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું.

 

(12:00 am IST)