Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

નવાઝ શરીફ : જીવન-મૃત્યુ વચ્ચેનો અંતિમ જંગ, ડોકટરોએ હાથ ઊંચા કર્યા, દુઆઓનો દોર

હવે વિદેશ જવું જ એકમાત્ર વિકલ્પ છે

લાહોર, તા.૯: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત અત્યંત નાજુક થઈ ગઈ છે. તેમના પ્લેટલેટ્સ ઘટીને ૨૪,૦૦૦ પર આવી ગયા છે અને પાકિસ્તાનના ડોકટરોએ હવે હાથ ઊંચા કરી લીધા છે. જેના કારણે નવાઝ શરીફની તબિયતમાં સુધારા માટે દેશભરમાં દુઆઓનો દોર શરૂ થયો છે.

બીજી તરફ પાકિસ્તાનના પારિવારિક સુત્રએ ડોન ન્યૂઝને જણાવ્યું કે, 'નવાઝ શરીફ આખરે લંડન જવા માટે તૈયાર થઈ ગયા છે. કેમ કે પાકિસ્તાનના ડોકટરોએ કહ્યું છે કે, તેઓ તમામ પ્રયાસ કરી ચૂકયા છે અને હવે વિદેશ જવું જ એકમાત્ર વિકલ્પ છે.'

સૂત્રે વધુમાં જણાવ્યું કે, પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ દ્વારા ઈમરાન ખાન સરકારને નવાઝ શરીફની વિદેશ યાત્રા માટે ડોકટરોએ આપેલી સલાહથી માહિતગાર કરાયા છે. ડોકટરોની સલાહ અનુસાર શરીફનું નામ એકઝીટ કન્ટ્રોલ લિસ્ટમાંથી દૂર કરવા માટે ઈમરાન સરકારને વિનંતી કરાઈ છે, જેથી તેઓ દેશની બહાર જઈ શકે.

પારિવારિક સુત્રએ કહ્યું કે, જો ECLમાંથી નવાઝનું નામ દૂર કરી દેવાયું તો શરીફ આ સપ્તાહે જ લંડન માટે રવાના થઈ શકે છે. જોકે ડોકટરોના જણાવ્યા અનુસાર હવાઈ યાત્રા માટે એક દર્દીમાં ઓછામાં ઓછા ૫૦,૦૦૦ પ્લેટલેટ્સ હોવી અનિવાર્ય છે. હાલ નવાઝની પ્લેટલેટ્સ ૨૪,૦૦૦ છે, આથી તેમની પ્લેટલેટ્સ વધારવા માટે ડોકટરો વધારાના ડોઝ આપી શકે છે.

સર્વિસિસ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સિસના પ્રિન્સિપલ પ્રોફેસર મહેમુદ અયાઝના નેતૃત્વવાળા બોર્ડે નવાઝ શરીફના શરીરમાં પેદા થયેલી જટીલતાઓને ધ્યાનમાં રાખીને તેમનો ઈલાજ વિદેશમાં કરાવાની ભલામણ કરી છે.(૨૩.૫)

(10:00 am IST)