Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

હોટલો, કેન્ટીન-રેસ્ટોરન્ટની સ્થિતિ ગ્રાહકો તપાસી શકશે

ફુડ એન્ડ સેફ્ટી વિભાગનો મહત્વનો આદેશ : પરમિશન લઈને પ્રવેશના બોર્ડ હટાવવા ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનો હુકમ : રસોડામાં ગ્રાહક સરળતાથી જોઈ શકશે

અમદાવાદ, તા.૭ : ગુજરાતભરમાં આવેલી હોટલો, કેન્ટીન અને રેસ્ટોરાંમાં હવે ગ્રાહકો રસોડાની અંદર કેવી સ્થિતિ છે તે જોઈ શકશે. રસોડાની બહાર નો એડમીશન, વિધાઉટ પરમીશન અને એડમીશન ઓન્લી વીથ પરમીશન જેવા બોર્ડ માર્યા હોય છે જેને હટાવી લેવા ફૂડ એન્ડ સેફટી વિભાગે અધિકારીઓને આદેશ કર્યો છે. ગ્રાહકો રસોડાની અંદર કેવી પરિસ્થિતિ છે તે જોઈ શકે તેવી રીતે બારણા રખાવવા માટે સૂચના આપી છે. રાજયના ફૂડ એન્ડ સેફટી વિભાગે પરિપત્ર કર્યો છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન અને તમામ ડેઝીગનેટિડ અધિકારીઓએ હોટલો, કેન્ટી અને રેસ્ટોરાંમાં જઇ તાત્કાલિક તપાસ કરવી કે રસોડાની બહાર નો એડમીશન, વિધાઉટ પરમીશન અને એડમીશન ઓન્લી વીથ પરમીશન જેવા બોર્ડ માર્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરાવવાના રહેશે. રસોડું સ્વચ્છ રાખવા જાણ કરવી તેમજ ગ્રાહકો રસોડાની અંદરની પરિસ્થિતિ કેવી છે તે જોઈ શકે તેવી બારીઓ અને દરવાજા રખાવવા માટે કહ્યું છે. જેથી કોઈ પણ ગ્રાહક હવે રેસ્ટોરાંમાં આવેલ રસોડામાં જઈ તપાસ કરી શકશે. રાજયના ફુડ એન્ડ સેફ્ટી વિભાગના આ પરિપત્રના કારણે હવે અમદાવાદ શહેર સહિત રાજયભરની હોટલો, રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીનોના રસોડામાં જે બિનઆરોગ્યપ્રદ ચીજવસ્તુઓ અને ગંદકી, સફાઇનો અભાવ સહિતની જે બદીઓ ચાલતી હતી, તેની પર હવે તવાઇ આવશે અને રોક પણ લાગી શકશે. ગ્રાહકો ખુદ હોટલો, રેસ્ટોરન્ટ્સ અને કેન્ટીનમાં રસોડામાં જઇ નીરીક્ષણ કરી શકશે અને જો કોઇ વાંધાજનકે બિન આરોગ્યપ્રદ ખાદ્યચીજ, ગંદકી અને અસ્વચ્છતા જોવા મળશે તો સંબંધિત સત્તાવાળાઓને પણ ફરિયાદ કરી શકશે. બીજીબાજુ, અમ્યુકો સહિતના સત્તાવાળાઓ હવે આગામી દિવસોમાં  હોટલો, રેસ્ટોરન્ટસ અને કેન્ટીનમાં તપાસ હાથ ધરી રસોડાની બહાર નો એડમીશન, વિધાઉટ પરમીશન અને એડમીશન ઓન્લી વીથ પરમીશન જેવા બોર્ડ માર્યા હોય તો તેને તાત્કાલિક દૂર કરાવવાની કાર્યવાહી હાથ ધરશે.

(8:33 am IST)