Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

લોકસભાની ચૂંટણી માટે શિવસેનાએ અમિતભાઇ પાસે મસમોટી માંગણીઓ મુકતા મીટીંગ નિષ્‍ફળઃ ભાજપ જો ૧પ૨ બેઠકો આપવા માટે રાજી થશે તો જ શિવસેના ગઠબંધન કરશે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે ભાજપ અને શિવસેના વચ્‍ચે ગઠબંધન મુદ્દે ભાજપના રાષ્‍ટ્રીય અધ્યક્ષ અમીતભાઇ શાહ અને શિવસેનાના ઉદ્વવ ઠાકરે વચ્‍ચે મળેલી બેઠક નિષ્‍ફળ નીવડી છે.

એક સમયે ભાજપના સૌથી કટ્ટર સહયોગી ગણાતી શિવસેના અને ભાજપના સંબંધોમાં કોઈ પણ વિપક્ષી પાર્ટી કરતા વધુ કડવાહટ જોવા મળી રહી છે. સરકારમાં સહયોગી હોવા છતાં શિવસેના ભાજપ પર આકરા હુમલા કરવાની એક પણ તક જવા દેતી નથી. મહારાષ્ટ્રમાં ગત વિધાનસભા ચૂંટણી બાદ બંને પાર્ટીઓના સંબંધો બગડતા જ ગયાં. નોટબંધી હોય કે પછી જીએસટી કે પછી પેટાચૂંટણીઓમાં મળેલી હાર...શિવસેના અને તેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપ પર આક્રમક પ્રહારો કર્યાં. એટલે સુધી કે શિવસેનાએ તો એમ પણ કહી દીધુ કે તે આગામી ચૂંટણી એકલા હાથે લડશે.

બંને પાર્ટીઓ વચ્ચે પડેલી તિરાડ વચ્ચે હાલમાં જ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ઉદ્ધવ ઠાકરેની મુલાકાત કરી. જો કે ત્યારબાદ પણ શિવસેના તરફથી કહેવામાં આવ્યું કે તે એકલા હાથે જ ચૂંટણી લડશે. હવે સૂત્રોના હવાલે એવી માહિતી મળી રહી છે કે માતોશ્રીમાં જ્યારે અમિત શાહ અને ઉદ્ધવ ઠાકરેની મુલાકાત થઈ ત્યારે ભાજપ અધ્યક્ષ તરફથી શિવસેના પ્રમુખને કહેવામાં આવ્યું હતું કે તે જલદી ગઠબંધન ઉપર ફરીથી વાતચીત કરવા માટે મળશે. તે સમયે શિવસેના તરફથી સમાધાન માટે એક ફોર્મ્યુલા આપવામાં આવ્યો હતો.

કહેવાય છે કે જ્યારે બે નેતાઓ મળ્યા હતાં ત્યારે શિવસેના અધ્યક્ષે અમિત શાહ સામે આગામી વિધાનસભા ચૂંટણી માટે 152 બેઠકોની માગણી કરી નાખી. આ સાથે જ પોતાના માટે સીએમ પદનું વચન પણ માંગ્યુ છે. 288 બેઠકો વાળી મહારાષ્ટ્ર વિધાનસભા માટે શિવસેના હવે 152 બેઠકો ઈચ્છે છે જેથી કરીને મુખ્યમંત્રી પદ પર તેની કોઈ વ્યક્તિ બેસી શકે. તેનો અર્થ એ થયો કે ભાજપ અને અન્ય સહયોગીઓ માટે ફક્ત 136 બેઠકો જ રહેશે.

જો કે હજુ સુધી એ નક્કી નથી કે શિવસેના અને ભાજપ એક સાથે મળીને લોકસભા ચૂંટણી લડે અને ત્યારબાદ વિધાનસભાની ચૂંટણીમાં એક સાથે જાય. જો કે શિવસેના તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેણે આમ કર્યું તો મોટી ભૂલ હશે. જો ભાજપ લોકસભા ચૂંટણી બાદ સત્તામાં પાછો આવશે તો તે મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડીને સત્તા મેળવી લેશે.

બાજુ ભાજપની વાત કરીએ તો પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ તે વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાને 130 બેઠકોથી વધુ ન આપી શકે. શિવસેના સાથે વાતચીત નિષ્ફળ રહેતા પાર્ટી અધ્યક્ષ પોતાના ધારાસભ્યો અને સાંસદોને એકલા ચૂંટણી લડવાનું કહી શકે છે.

શિવસેનાના અંદરના સૂત્રોના જણાવ્યાં મુજબ પાર્ટી નેતાનું કહેવું છે કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી પોતાની તાકાત પાછી મેળવવા માંગે છે. પાર્ટી નેતાનું કહેવું છે કે ઉદ્ધવજીએ અમિત શાહને સ્પષ્ટપણે કહી દીધુ છે કે ભાજપ જો 152 બેઠકો આપવા માટે રાજી થશે તો જ શિવસેના ગઠબંધન કરશે.

2014માં મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકો પર ભાજપ અને શિવસેના ગઠબંધન એક સાથે ચૂંટણી લડ્યું હતું. જેમાંથી 26 બેઠકો પર ભાજપ અને 22 બેઠકો પર શિવસેના લડી હતી. ત્યારબાદ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણીને લઈને બંને પાર્ટીઓ આમને સામને આવી ગઈ હતી અને અલગ અલગ ચૂંટણી લડી હતી. જો કે ત્યારબાદ શિવસેના ભાજપ સરકારમાં સામેલ થઈ ગઈ હતી. ભાજપે 260 બેઠકો પર ચૂંટણી લડી હતી. જેમાંથી તેને 122 બેઠકો મળી હતી. જ્યારે શિવસેના 282 બેઠકો પર લડી હતી પરંતુ તેના ફાળે 62 બેઠકો જ આવી હતી.

શિવસેના જૂના ફોર્મ્યુલા પર પાછી ફરવા માંગે છે. 1995માં શિવસેનાની લોકપ્રિયતા ચરમ પર હતી. ત્યારે 288 બેઠકોમાંથી 171 પર તે લડતી હતી અને ભાજપ 117 બેઠકો પર ચૂંટણી લડતો હતો.

(5:46 pm IST)
  • આજે ફરી તટીય મહારાષ્ટ્ર, ગોવામાં અતિ ભારે વરસાદની સંભાવના : ગઈકાલે મહારાષ્ટ્રમાં ચોમાસાનો પ્રારંભ થયા બાદ આજે રાજ્યના તટીય ભાગો, મુંબઈ અને ગોવામાં અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે. તટીય કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં પહેલેથી જ વરસાદની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં પ્રશાસન કોઈ પણ ઈમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ પર છે. BMC કર્માચારીઓની વીકેન્ડની રજાઓ પણ રદ કરી દેવામાં આવી છે. access_time 11:16 am IST

  • અમદાવાદ : સીએમએસ ઇન્ફોસિસ્ટમ લિમિટેડના કર્મચારીએ 1 કરોડ 39 લાખની કરી ઉચાપત : કંપની શહેરમાં એટીએમ મશીનમાં નાણાં લોડ કરવાનું કામ કરે છે, જેમાં આરોપી પુર્વિશ ચૌધરી કસ્ટોડિયન તરીકે નોકરી કરતો હતો : ઓડિટ સમયે વાહનમાં પંચર થયું હોવાનું બહાનું કરી આરોપી થઇ ગયો ફરાર access_time 12:43 pm IST

  • ચીનની વુહાન સમિટની જેમ જ આવતા વર્ષે ચીનનાં રાષ્ટ્રપતિ શી ચિનફિંગ અનૌપચારિક શિખર સમ્મેલન માટે ભારત આવશે. ચીનનાં રાષ્ટ્રપતિએ આ બાબતે વડાપ્રધાન મોદીનાં આમંત્રણનો સ્વિકાર કરી લીધો હતો. વિદેશ સચિવ વિજય ગોખલેએ શનિવારે એક પત્રકાર પરિષદ દરમિયાન આ માહિતી આપી. access_time 2:38 am IST