Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

મધ્યપ્રદેશમાં ડોક્ટર પિતાએ સિપાહી પુત્રની સારવારનું 16 કરોડનું બિલ સેનાને પકડાવ્યું ;અધિકારીઓ સ્તબ્ધ

ડો.રાજાવતે પુત્ર સૌરભની સારવારનું 16 કરોડના મેડિકલ ક્લેમ માટે પોતાની ક્લિનિકનું બિલ સેનાના હેડક્વાર્ટર મોકલ્યું.

ભોપાલ :મધ્યપર્દેશના ભિંડમાં એક આયુર્વેદિક ડોક્ટરે સેનાના એક જવાનની સારવાર બદલ સેનાને 16 કરોડનું બિલ પકડાવી દીધુ છે. માથાંની આ ઈજાની સારવાર કરાવનાર જવાન બીજુ કોઈ નહીં પરંતુ તે આયુર્વેદિક ડોક્ટરનો પુત્ર જ છે.

  પ્રદેશના રોન પરગણાનો આ ડોક્ટર રાતોરાત ચર્ચામાં આવ્યો છે કારણ કે તેની હોસ્પિટલ તરફથી સેનાના હેડક્વાર્ટર પર 16 કરોડનું મેડિકલ બિલ ક્લેમ માટે મોકલ્યું છે રોન વિસ્તરના આયુષ હોસ્પિટલના માલિક ડો.આઈ એસ રાજાવતનો પુત્ર સૌરભ રાજાવત ભારતીય સેનાની 19 મેકેનિકલ ઈન્ફેક્ટ્રીમાં પદસ્થ છે. વર્ષ 2013માં ડ્યૂટી દરમિયાન સૌરભના માથાંમાં ઈજા થઈ હતી. આ જ કારણે સૌરભને માથામાં દુ:ખાવા અને ચક્કરની સમસ્યા થઈ હતી. સેનાએ થોડા સમય માટે સૌરભની સારવાર કરાવી અને ત્યારબાદ સૌરભ રજા લઈને તેના ઘરે જતો રહ્યો હતો.

    ડો.આઈ.એસ રાજાવતે પુત્રની તકલીફ જોઈને તેની સારવાર પોતે જ કરવાની શરૂ કરી દીધી. ડો.રાજાવતે આયુર્વેદિક ડોક્ટર હોવા છતાં સૌરભની એલોપેથી પદ્ધતિથી સારવાર કરી. ત્યારબાદ સૌરભ જ્યારે પણ રજામાં આવતો ત્યારે પિતા તેની સારવારમાં લાગી જતાં. આ રીતે 2014થી લઈને 2017 સુધી ડો.રાજાવતે સૌરભની સારવાર કરી. ત્યારબાદ 6-6 કરોડના બે બિલ અને 4 કરોડનું એક બિલ બનાવીને કુલ 16 કરોડના મેડિકલ ક્લેમ માટે પોતાની ક્લિનિકનું બિલ સેનાના હેડક્વાર્ટર મોકલ્યું.16 કરોડનું બિલ જોઈને સેનાના અધિકારી સ્તબ્ધ થઈ ગયાં

  અધિકારીઓએ મામલાની જાણકારી ભિંડ કલેક્ટર આશિષ ગુપ્તાને એક પત્ર લખીને કરી. પત્ર મળતા જ કલેક્ટરે આ પત્રને સીએમએચઓ પાસે કાર્યવાહી માટે મોકલી દીધો. સીએમએચઓ કાર્યાલયથી એક ટીમ ડો.રાજાવતની ક્લિનિક પર પહોંચી અને આયુષ ક્લિનિકને સીલ કરી દીધી. જો કે આ અંગે ડો. રાજાવતનું કહેવું છે કે તેમણે તો 60-60 હજારના બે બિલ અને એક 40હજારનું બિલ મળીને કુલ 1,60,000નું બિલ મોકલ્યુ હતું. બિલમાં ઝીરો કેવી રીતે વધી ગયા તે અંગે તેમને કોઈ જાણકારી નથી.

  ડો. રાજાવતે આ કાર્યવાહી બાદ સેના પર આરોપ લગાવ્યો કે તેમના પુત્રના માથામાં સુબેદારે સળિયો મારીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. સેનાએ આખો મામલો દબાવવા માટે સૌરભની  ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હતી. જ્યારે સૌરભને ઠીક ન થયું ત્યારે તેમણે પોતે જ સૌરભની સારવાર કરવાની શરૂ કરી દીધી. ડો.રાજાવતનો આરોપ છે કે સેના અસલી વાતને દબાવવાની કોશિશ કરી રહી છે અને સમગ્ર મામલાને અલગ રંગ આપવાનો પ્રયત્ન કરી રહી છે.

(2:10 pm IST)