Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

કુદરતી ગેસને જીએસટીમાં લાવશે

સંયુકત સચિવે કહ્યું કે પરિષદની હવે પછીની બેઠકમાં ચર્ચા થશે

ગાંધીનગર :. જીએસટી પરિષદ પોતાની હવે પછીની બેઠકમાં કુદરતી ગેસને જીએસટીમાં લેવાનો વિચાર કરી રહી છે એમ એક અધિકારીએ શુક્રવારે કહ્યું હતું.

જીએસટી પરિષદના સંયુકત સચિવ ધીરજ રસ્તોગીએ કહ્યું કે જીએસટીમાંથી બહાર રહેલા પાંચ પેટ્રોલીયમ ઉત્પાદનોમાંથી વિમાન ટરબાઈન ઈંધણને પણ જીએસટીમાં લવાશે. ઉદ્યોગ મંડળ પીએચડી ચેમ્બરના એક વકતવ્યમાં રસ્તોગીનો હવાલો આપીને કહ્યુ કે, કુદરતી ગેસને પ્રાયોગીક રીતે જીએસટીના દાયરામાં લેવાનો પ્રસ્તાવ પરિષદની હવેની બેઠકમાં વિચાર માટે મુકાશે. જો કે તેમણે કુદરતી ગેસ અને એટીએફને કેટલા સમયમાં જીએસટીમાં લવાશે તેનો ઉલ્લેખ નહોતો કર્યો.

કેરોસીન, નેપ્થા અને એલપીજી જેવા પેટ્રોલીયમ ઉત્પાદનો પહેલેથી જ જીએસટીમાં છે જ્યારે કાચુ તેલ, કુદરતી ગેસ, વિમાનનું ઈંધણ, ડીઝલ અને પેટ્રોલને જીએસટીમાંથી બાકાત રખાયા છે. રસ્તોગીએ કહ્યુ કે, પેટ્રોલીયમ ફકત કેન્દ્રની જ નહીં પણ રાજ્યોની આવકનો મોટો સ્ત્રોત છે. કુદરતી ગેસને જીએસટીમાં લેવા બાબતે થોડી સહમતી સધાઈ છે, એટલે જીએસટીમાં આવનાર તે પહેલુ પેટ્રોલીયમ ઉત્પાદન હશે.

રસ્તોગીએ એવો પણ સંકેત આપ્યો કે જીએસટી અંતર્ગત આપુર્તિ શબ્દની વ્યાખ્યા બાબતની સમીક્ષા કરવાનો પણ સરકારનો વિચાર છે. કર માટે અગ્રિમ નિયમ નક્કી કરવાના મુદ્દા પર તેમણે કહ્યુ કે હાલમાં કેટલાક રાજ્યોમાં તે મામલે વિરોધાભાસ છે એટલે બધી જ જગ્યાએ એડવાન્સ રૂલીંગ નિયમ બનાવવા માટે નીતિગત નિર્ણય લેવાય તેવી શકયતા છે.(૨-૫)

(11:39 am IST)