Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

દેશના ૧૮૦ જિલ્લામાં છેલ્લા સાત દિવસથી એકય કેસ નહીં

કોવિડ-૧૯ની સ્થિતિ પર ચર્ચા માટે બેઠક યોજાઈ : ૧.૩૪% આઈસીયુમાં, જેમાંથી ૦.૩૯% વેન્ટિલેટર પર જ્યારે ૩.૭૦ ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર : હર્ષવર્ધન

નવી દિલ્હી,તા.૯ : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને શનિવારે જણાવ્યું છે કે દેશના ૧૮૦ જિલ્લામાં છેલ્લા સાત દિવસ દરમિયાન કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. કોવિડ-૧૯ રોગચાળાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે યોજાયેલી બેઠકને સંબોધિત કરતા હર્ષવર્ધને જણાવ્યું હતું કે, કોરોનાના દર્દીઓમાંથી ૧.૩૪ ટકા આઈસીયુમાં ભરતી છે. જેમાંથી ૦.૩૯ ટકા વેન્ટિલેટર પર છે જ્યારે ૩.૭૦ ટકા દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયેલી બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું હતું કે, ૧૮૦ જિલ્લામાં છેલ્લા સાત દિવસ દરમિયાન કોરોનાના ચેપનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. આ રીતે ૧૮ જિલ્લામાં છેલ્લા ૧૪ દિવસમાં, ૫૪ જિલ્લામાં ૨૧ દિવસમાં અને ૩૨ જિલ્લામાં છેલ્લા ૨૮ દિવસમાં કોરોનાના ચેપનો કોઈ નવો કેસ નોંધાયો નથી. તેમણે કહ્યું હતું કે, દેશભરમાં કોવિડ-૧૯ના ૪,૮૮,૮૬૧ દર્દીઓ આઈસીયુમાં દાખલ છે જ્યારે ૧,૭૦,૮૪૧ દર્દીઓ વેન્ટિલેટર પર છે અને ૯,૦૨,૨૯૧ દર્દીઓ ઓક્સિજન સપોર્ટ પર છે. વિદેશ મંત્રી એસ.જયશંકર, એવિયેશન મિનિસ્ટર હરદીપ સિંહ પૂર, મંત્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે બેઠકમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચૌબે તથા નીતિ આયોગના સભ્ય વીકે પૌલે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમાંથી બેઠકમાં હાજરી આપી હતી. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશભરમાં શનિવાર સુધીમાં કોરોના વેક્સીનના ૧૬.૭૩ કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં શુક્રવારે ૨૩ લાખથી વધુ લોકોએ ડોઝ લીધા હતા. રાજ્યોને અત્યાર સુધી ૧૭,૪૯,૫૭,૭૭૦ ડોઝ આપવામાં આવ્યા છે. તેમણે તે પણ કહ્યું હતું કે, દેશમાં ટેસ્ટિંગની ક્ષમતા પ્રતિ દિવસ ૨૫,૦૦,૦૦૦ થઈ ગઈ છે.

(7:23 pm IST)