Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

યુપીમાં ૧૪૦૦ ઓપરેશનઃ ૫૦ને ફૂંકી માર્યા

મેરઠમાં ૫૬૯ - બરેલીમાં ૨૫૩, આગ્રામાં ૨૪૧ અને યોગીજીના ગોરખપુરમાં ૫૧ એન્કાઉન્ટર

લખનઉ તા. ૯ : વિરોધ પક્ષોની ભારે ટીકાઓ અને હોબાળા વચ્ચે રાજ્યના યોગી સરકારની પોલીસ દ્વારા છેલ્લા એક વર્ષમાં ૧૪૦૦ એન્કાઉન્ટરના નામે ૫૦ અપરાધીઓની હત્યા કરી નાંખવામાં આવી હતી. ગયા વર્ષે માર્ચમાં સત્તાના સૂત્રો સંભાળ્યા પછી ભાજપની સરકારમાં રૂપિયા પચાસ હજારના ઇનામધારી રેહાનની મુઝફફરનગરમાં એન્કાઉન્ટરના નામે હત્યા કરી હતી તો એ પચાસમી હત્યા હતી.

મુકીન કાલા ગેંગના કુખ્યાત રેહાન સામે ૧૫ ગંભીર કેસો નોંધવામાં આવ્યા હતા, એમ પોલીસે કહ્યું હતું. છેલ્લા એક વર્ષમાં માર્ચ મહિના સુધીમાં ૫૦ અપરાધીઓને મારી નાંખવામાં આવ્યા હતા અને ૩૯૦ ઘાયલ થયા હતા. જ્યારે ૩૪૩૫ રિઢા ગુનેગારોને જેલમાં ધકેલવામાં આવ્યા હોવાનું પોલીસે કહ્યું હતું. સામસામી અથડામણમાં ચાર પોલીસવાળા માર્યા ગયા હતા. જ્યારે ૩૦૮ને ઇજા થઇ હતી. સત્તાવાર આંકડાઓ અનુસાર યોગી સરકાર સત્તામાં આવી ત્યારે પછીથી રાજ્યમાં ૨૦ માર્ચ, ૨૦૧૭થી ૨૫ માર્ચ ૨૦૧૮ સુધીમાં ૧૪૭૮ એન્કાઉન્ટર્સ કરવામાં આવ્યા હતા. મેરઠ ઝોનમાં સૌથી વધુ ૫૬૯ એન્કાઉન્ટર કરાયા હતા, ત્યાર પછી બરેલીમાં ૨૫૩ એન્કાઉન્ટર કરાયા હતા. યાદીમાં ત્રીજા સ્થાને આગ્રાનું નામ છે. જ્યાં ૨૪૧ અને ત્યારબાદ કાનપુરમાં ૧૧૨ એન્કાઉન્ટર કરાયા હતા. જ્યારે યોગીના પોતાના શહેર ગોરખપુરમાં ૫૧ એન્કાઉન્ટર કરાયા હતા. પોલીસે ૧૮૮ અપરાધીઓ સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા લગાડીને તેમની રૂપિયા ૧૫૦ કરોડની સંપત્તિને જપ્ત કરી હતી.

(3:51 pm IST)