Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

હાલ પુરતી ઘાત ટળ્યા બાદ ૧૩મીએ તોફાનની વકી છે

બે દિવસ લોકોમાં દહેશત રહ્યા બાદ હવે દુર : કેદારનાથ અને આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા બાદ શ્રદ્ધાળુ પરેશાન : ચારધામની યાત્રા આડે અડચણો

નવી દિલ્હી,તા. ૯ : પ્રચંડ આંધી અને તોફાન તેમજ વરસાદને લઇને છેલ્લા બે દિવસથી તોળાઇ રહેલી ઘાત હાલ પુરતી તો ટળી ગઇ છે. આની અસર ચોક્કસપણે હરિયાણા અને દિલ્હી તેમજ અન્ય કેટલાક ભાગોમાં રહી હતી. પરંતુ હવે સ્થિતી હળવી બની રહી છે. જો કે ૧૩મી ફરી તોફાનની આશંકા છે. જેથી તંત્ર હાલમાં સાબદુ રહે તેવી શક્યતા છે. તોફાનનુ બે દિવસ સુધી એલર્ટ રહ્યુ હતુ અને સ્કુલ, કોલેજોને બંધ રાખવામાં આવી હતી. લોકો પણ સાવધાન રહ્યા હતા. લોકો પ્રચંડ તોફાન અંગે માહિતી મેળવતા નજરે પડ્યા હતા. આંધી અને ઠંડી હવાના કારણે તાપમાનમાં ઘટાડો થયો હતો. બીજી બાજુ ચારધામની યાત્રા આડે અડચણો ઉભી થઇ ગઇ છે. કારણ કે આસપાસના વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઇ છે. જાણકાર નિષ્ણાંતોનુ કહેવુ છે કે આ વખતે ગરમી વધારે ઝડપથી વધી રહી છે. તાપમાન વધવાના કારણે વાતાવરણમાં નમી પણ છે. નમીના પ્રભાવના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ચક્રવાતી પવનની દહેશત રહેલી છે. ઓછા દબાણવાળા વિસ્તારો પણ સક્રિય થઇ રહ્યા છે. અતિ ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટરને ઉડાણ ભરવામાં સફળતા મળી રહી નથી. સાથે સાથે વાપસી માટે અન્ય રસ્તા પણ બંધ રાખવામાં આવ્યા છે.  હવામાન વિભાગની ચેતવણીને ધ્યાનમાં લઇને કેદારનાથ તરફ જતા શ્રદ્ધાળુઓને સોનપ્રયાગ અને ગૌરીકુંડમાં રોકી દેવામાં આવ્યા છે. કેદારનાથમાં સતત ભારે વરસાદ અને હિમવર્ષાના કારણે જનજીવન ઠપ થઇ ગયુ છે. ભારે હિમવર્ષાના કારણે તમામ વિસ્તારોમાં ત્રણ ઇંચ સુધી બરફ જામી જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેદારનાથમાં સતત હિમવર્ષા અને વરસાદના કારણે જનજીવન ખોરવાઇ ગયુ છે. સવારે ૧૦ વાગે વરસાદ અને હિમવર્ષા શરૂ થયા બાદ સતત છ કલાક સુધી વરસાદ અને હિમવર્ષા જારી રહેતા લોકો અટવાઇ પડ્યા હતા. ભારે વરસાદ અને હિમવર્ષા છતાં કેદારનાથ અને અન્યત્ર રોકાયેલા શ્રદ્ધાળુઓમાં રહેલા ઉત્સાહમાં કોઇ ઘટાડો થયો નથી.

ખાસ રીતે  નોંધનીય છે કે બીજી મેના દિવસે અનેક ભાગોમાં આ વિનાશકારી તોફાનમાં ૧૩૦થી વધુના મોત થયા હતા. ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૭૩, રાજસ્થાનમાં ૪૫, તેલંગાણામાં સાત, ઉત્તરાખંડમાં ૪, દિલ્હી, પંજાબ અને ઝારખંડમાં બે-બે લોકોના મોત થયા હતા.હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જોરદાર આંધીની શક્યતા દેખાઇ રહી હતી.  પહેલાના નુકસાનકારક તોફાનને  ધ્યાનમાં લઇને તંત્ર સાબદુ છે

(12:20 pm IST)