Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

ડિજીટલ ઈન્ડિયાના બીજા ચરણમાં આધાર સિવાય જમીનનો ખાસ ઓળખ નંબર હશે!

જમીનના ગેરકાયદે ખરીદ - વેચાણ ઉપર આવશે રોક : ખેતીના માળખાકીય વિકાસ અને પર્યાવરણને થતા નુકશાનની માહિતી પણ આસાનીથી મળી શકશે

નવી દિલ્હી, તા. ૯ : કેન્દ્ર સરકાર દેશભરમાં જમીનના રેકોર્ડને ડીજીટલ કરવાની તૈયારીમાં છે. ખેતર, પ્લોટ અને જમીનના દરેક ટુકડાને એક વિશિષ્ટ ઓળખ નંબર દેવામાં આવશે. જેમાં છેડછાડ શકય નહિં હોય. આ વ્યવસ્થા નાગરીકોને પૂરો પાડવામાં આવી રહેલ આધાર નંબર જેવી છે પરંતુ આ માટે કોઈ વ્યકિતને આંગળીઓના નિશાન કે આંખોનું સ્કેનીંગ કરાવવું જરૂરી નહિં હોય.

ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય દ્વારા તમામ રાજયોના મુખ્યમંત્રીઓને જમીનના રેકોર્ડને ડીજીટલ કરવા સુચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત તમામ રાજયોએ પોતાની સહમતી આપી દીધી છે. આ વ્યવસ્થાથી બેનામી સંપતિ કે જમીન વિવાદ અને ગેરકાયદે કબ્જા - વેચાણની ઘટનાઓ ઉપર કાબુ આવશે. જમીનનો ખાસ ઓળખ નંબર સરકારી, ખાનગી, સંસ્થાકીય ધોરણે કે વારસાગત ધોરણે ફાળવવામાં આવશે.  ખેતીના માળખાકીય વિકાસ અને પર્યાવરણને થઈ રહેલા નુકશાનની જાણકારી આ માધ્યમથી આસાનીથી મેળવી શકાશે. આ વ્યવસ્થાથી વ્યાવસાયિક ધોરણે જમીનમાંથી મેળવવામાં આવી રહેલા નફા વિશે પણ મળી શકશે.

(11:51 am IST)