Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મુંબઈના પોલીસ કોન્સ્ટેબલે વર્દીમાં ભીખ માગવા મંજૂરી માંગી!

મુંબઈ, તા. ૯ : મુંબઈ પોલીસ વિભાગમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલને છેલ્લા બે માસથી પગાર ન મળતા યુનિફોર્મમાં ભીખ માંગવા મંજૂરી માગતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ધ્યાનેશ્વર આહીરાવ નામના આ પોલીસમેન મુંબઈના લોકલ આમ યુનિટમાં હાલમાં શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના  માતોશ્રી બંગલા ઉપર ફરજ બજાવે છે. તેણે ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસને એક પત્ર લખ્યો છે. જે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ગવર્નર વિદ્યાસાગર રાવ અને મુંબઈ પોલીસ કમિશ્નર દત્તા પદસાલગીકરને પણ મોકલ્યો છે. જેમાં ઘરખર્ચ ચલાવવા માટે પોલીસના ડ્રેસમાં જ ભીખ માગવા મંજૂરી માગી છે. ડીએનએના અહેવાલમાં જણાવાયુ છે કે ચાલુ વર્ષના માર્ચ માસમાં ધ્યાનેશ્વરની પત્નિના પગમાં ફેકચર થવાથી તેને તેના ગામડે દોડી જવુ પડ્યુ હતું. આ ઈમર્જન્સી વિશે પોતાના યુનિટના વડાને જાણ કરી હતી. ત્યારબાદ પાંચ દિવસની રજા લીધી હતી. પત્નિની સારવાર બાદ તે ૨૮મી માર્ચે હાજર થયો હતો. ત્યારબાદ હજુ સુધી તેને પગાર ચૂકવાતો નથી. પોતે લીધેલી રજાના કારણોસર આ પગાર અટકાવાયો હોવાથી નાની બાળકી, વૃદ્ધ માતા - પિતા, પત્નિ અને લોનના માસિક ખર્ચ માટે ભીખ માગવાની મંજૂરી માગી છે. વહીવટી પ્રક્રિયામાં ટલ્લે ચડતા નાના કર્મચારીઓના પ્રશ્નોનો પડઘો આવી રીતે જ પડી શકે છે. (૩૭.૪)

(11:49 am IST)