Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

મહાભિયોગઃ કોંગ્રેસ ફરીથી સુપ્રિમમાં જશેઃ CPIનો પણ સાથ મળ્યો

કોંગ્રેસની ટીમ પાંચ જજોની બેચની નિમણુંકને પણ પડકારશેઃ સૂત્રો કહે છે કે, કોંગ્રેસ ગંભીર મનોમંથન કરી રહી છે

નવી દિલ્હી તા. ૯ : મુખ્ય ન્યાયાધિસ દીપક મિશ્રા વિરૂદ્ઘ કોંગ્રેસના મહાભિયોગના પ્રયાસને ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલત દ્વારા ભલે આંચકો લાગ્યો હોય પરંતુ, દેશની સૌથી જુની પાર્ટી હજી પણ પોતાની મુહિમ રોકવાના મૂડમાં નથી. કોંગ્રેસ આ મામલે સુપ્રીમ કોર્ટમાં હવે નવી અરજી દાખલ કરે તેવી શકયતા છે. સીપીઆઈ પણ આ મામલે કુદી પડી છે.

સીજેઆઈ વિરૂદ્ઘ મહાભિયોગના પ્રયાસોને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ ફગાવી દીધી હતી. કોંગ્રેસના રાજયસભાના સાંસદ પ્રતાપ સિંહ બાજવા અને અમી યાજ્ઞિકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ કોંગ્રેસે તેને પાછી ખેંચી લીધી હતી.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસવા વકીલ અને નેતા સીજેઆઈ વિરૂદ્ઘ મહાભિયોગ લાવવાની મુહિમ યથાવત રાખશે. બાજવા અને યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આ તો માત્ર ટ્રેલર છે, હજી ઘણી બાબતો બાકી છે. આ મામલે પાર્ટીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે આ મુદ્દે વડી અદાલતમાં અરજી દાખલ કરવાની શકયતા નકારી ન શકીએ. સીજેઆઈ વિરૂદ્ઘ મહાભિયોગની અરજી પર ૬૪ સાંસદોએ હસ્તાક્ષર કર્યાં હતાં અને ૨૦ એપ્રિલે તેને રાષ્ટ્રપતિને સોંપવામાં આવ્યાં હતાં. સીપીઆઈ નેતા ડી રાજા પણ આ મામલે અલગથી અરજી દાખલ કરવાનું વિચારી રહ્યાં છે.

અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે, અમે ઈચ્છીએ છીએ કે, બંધારણીય રીતે મહત્વના પ્રશ્નો પર નિર્ણય લેવામાં આવે અને વર્તમાન તથા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ છે. બંને સાંસદોએ સુપ્રીમ કોર્ટ પાસેથી સીજેઆઈ દ્વારા આ મામલે સુનાવણી ૫ જજોની બંધારણીય બેંચ સમક્ષ મોકલવાની પ્રશાસનિક આદેશની કોપી માંગી રહ્યાં હતાં. આ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. અમે તેના વિરૂદ્ઘ અપીલ કરીશું. અમે આરટીઆઈ દ્વારા સીજેઆઈના પ્રશાસનિક આદેશોની કોપી મેળવવાનો પ્રયાસ કરીશું.

શું રાજયસભાના સાંસદો દ્વારા આ મામલે અરજી પરત લીધા બાદ ફરીથી નવી અરજી દાખલ કરવામાં કોઈ ટેકિનકલ અડચણ ઉભી થશે કે કેમ? આ બાબતે સૂત્રએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના વકીલ અને નેતાઓનું માનવું છે કે, કોઈ અન્ય સાંસદો દ્વારા રાજયસભાના સભાપતિના ૨૩ એપ્રિલના આદેશને ટોચની અદાલતમાં નવી અરજી દાખલ કરવામાં કોઈ જ કાયદાકીય અડચણ નથી. જયારે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રીના સૂત્રોએ જણાવ્યું હતું કે, જો વધુ સંખ્યામાં સાંસદ રાજયસભા સભાપતિ દ્વારા મહાભિયોગની અપીલ ફગાવવા સંબંધીત અરજી ફરીથી વડી અદાલતમાં દાખલ કરશે તો આ મુદ્દો પણ જસ્ટિસ એ કે સિકરી, જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એન વી રમના, જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ આદર્શ ગોયલની બેંચ પાસે સુનાવણી માટે જશે.(૨૧.૧૪)

(11:42 am IST)