Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કેદારનાથમાં ૫ ઇંચ બરફવર્ષા, યાત્રા સ્થગિતઃ બેના મોત

કેદારનાથ તા. ૯ : દેશના સુપ્રસિધ્ધ યાત્રાધામમાં સતત જબરજસ્ત બરફવર્ષા થઈ રહી છે. કેદારનાથમાં તાપમાન શુન્યથી પણ નીચે પહોંચી ગયું છે. કેદારનાથ ધામમાં તો પાંચ ઈંચ બરફની ચાદર છવાઈ ગઈ છે, જયારે રસ્તા પર બે ફૂટ બરફની ચાદર છવાઈ ગઈ છે. અને ઠંડીના કારણે ૨ તીર્થ યાત્રીઓના મોત પણ નિપજયા છે.

બરફવર્ષના કારણે, હેલિકોપ્ટર સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. હાલમાં કેદારનાથમાં કુલ ૧૦ હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા છે. ૧૦ હજાર યાત્રાળુઓમાંથી બે હજાર જેટલા ગુજરાતી યાત્રાળુઓ છે જે બધા સલામત છે.હવામાન વિભાગે આંધી, વરસાદ અને બરફવર્ષા થવાની ચેતાવણી આપ્યા બાદ રૂદ્રપ્રયાગ જીલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. આ સિવાય કેદારનાથ જતા યાત્રાળુઓને સોનપ્રયાગમાં જ રોકી દેવામાં આવી રહ્યા છે. કેદારનાથ ધામમાં તીર્થયાત્રીઓનું આવન-જાવન એકતરફી થઈ ગયું છે. માત્ર કેદારનાથ ધામથી પાછા ફરી શકાય છે.

સોમવાર રાત્રીથી ચાલી રહેલ બરફવર્ષાના કારણે સોમવાર રાત્રે એક તીર્થયાત્રીનું મોત નિપજયું હતું અને કડકડાતી ઠંડીના કારણે એક મહિલા તીર્થયાત્રીનું પણ મોત મંગળવારની સવારે થયું છે. અત્યાર સુધીમાં ૬ તીર્થ યાત્રીઓના મોત થઈ ચુકયા છે.કેદારનાથમાં સળંગ રોકાઈ-રોકાઈને બરફવર્ષા થઈ રહી છે. પૂર્વ સીએમ હરીશ રાવત પણ કેદારનાથમાં ફસાઈ ગયા છે. રાવત જીએમવીએન ગેસ્ટ હાઉસમાં રોકાયા છે. અને હાલમાં તેમનું ત્યાંથી નીકળી શકવું સંભવ નથી લાગી રહ્યું.

(11:28 am IST)