Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

રાહુલનો અદ્ભૂત 'પત્ર એટેક'

પ્રિય એફએમ... તમે માંદા છો અને દેશના નાણાસચિવ માનસિક શાંતિ માટે ગુરૂ સાથે વેકેશન ઉપર ગયા છેઃ માટે નાણા મંત્રાલય હમણા બંધ રાખજો!!

નવી દિલ્હી તા. ૯ : કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી અને દેશના નાણાં સચિવ હસમુખભાઇ અઢિયા બંને નાણાં મંત્રાલયમાં હાજર ન હોવાની વાતની મજાક ઉડાવતા રાહુલ ગાંધીએ પીએમ તરફથી નાણામંત્રાલયને 'બોગસ પત્ર' લખીને નાણાં મંત્રાલય બંધ કરવાનો આદેશ આપ્યો હતો.

ટ્વિટર પર રાહુલે લખેલી નોટ એફએમને સંબોધી હતી અને સહી તરીકે વડા પ્રધાન લખ્યું હતું. નોટમાં લખ્યું હતું કે નાણાં મંત્રાલયને આગામી આદેશ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ સાથે રાહુલે આ સાથે ન્યુઝ રિપોર્ટ જોડયો હતો અને એમાં જણાવાયું હતું કે કિડનીની તકલીફને લીધે જેટલી એક મહિનાથી મંત્રાલયમાં નથી ગયા. રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે મૈસુરના સ્વામી વિશારાદાનંદ સરસ્વતી સાથે યોગ અને સાધના કરવા માટે હસમુખભાઇ અઢિયાએ વીસમી મે સુધી રજા લીધી છે. આ બંને મુખ્ય વ્યકિતની ગેરહાજરીએ મંત્રાલય કોઇપણ ધણી ધોરી વગરનું બન્યું છે.

રાહુલે ટ્વીટમાં લખ્યું હતું કે પ્રિય એફએમ, તમે માંદા છો અને નાણાં સચિવ માનસિક શાંતિ માટે પોતાના ગુરુ સાથે વેકશન પર ગયા હોવાથી, મેં નાણાં મંત્રાલયને આગામી આદેશ સુધી બંધ કરવાનું નક્કી કર્યું છે. અગાઉની જેમ વડા પ્રધાન કાર્યાલય બધા જ નાણાકીય નીતિ સંબંધી નિર્ણયો લેશે. લિખિતન, વડા પ્રધાન !!! 

હસમુખભાઇ અઢીયાની ગેરહાજરીમાં ખર્ચસચિવ એ. એન. જહા એમનું સ્થાન હંગામી ધોરણે સંભાળી લ્યે તેવી શકયતા છે.

(11:00 am IST)