Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

જાતીય હુમલાના ભોગ બનેલાઓમાંથી માત્ર પાંચથી દસ ટકાને વળતર મળે છે

નવી દિલ્હી તા. ૯ : નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીએ સર્વોચ્ચ અદાલતની ન્યાયમૂર્તિ મદન બી. લોકુર અને ન્યાયમૂર્તિ દીપક ગુપ્તાની બનેલી બેન્ચને મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં જાતીય હુમલાનો ભોગ બનેલી માત્ર પાંચથી દસ ટકા મહિલાને જ વળતર મળે છે.

તેણે જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશના ગયા વર્ષના આંકડા મુજબ રાજયમાં જાતીય હુમલાના ૯૦૧ કેસ નોંધાયા હતા, પરંતુ તેમાંના માત્ર એક કિસ્સામાં જ વળતર ચૂકવાયું હતું.

નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટીના ડિરેકટર એસ. એસ. રાઠીએ જણાવ્યું હતું કે આંધ્ર પ્રદેશમાં ૨૦૧૬માં જાતીય હુમલાના ૮૬૦ કેસ નોંધાયા હતા, પરંતુ તેમાં પણ માત્ર એક વ્યકિતને વળતર ચૂકવાયું હતું.રાજસ્થાનમાં ૨૦૧૭માં જાતીય હુમલાના ૩,૩૦૫ પ્રથમદર્શી અહેવાલ નોંધાયા હતા, પરંતુ તેમાંના માત્ર ૧૪૦ જણને જ વળતર મળ્યું હતું.બિહારમાં ૨૦૧૭માં જાતીય હુમલાના ૧,૧૯૯ પ્રથમદર્શી અહેવાલ નોંધાયા હતા, પરંતુ તેમાંના માત્ર ૮૨ જણને વળતર મળ્યું હતું.દિલ્હીમાં ૨૦૧૨ના ૧૬મી ડિસેમ્બરે છોકરી પર સામૂહિક બળાત્કાર થયો તે પછી ૨૦૧૩માં કેન્દ્રે 'નિર્ભયા ફંડ'ની રચના કરી હતી.અગાઉ, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે નિર્ભયા ફંડમાંથી નાણાં મહિલાઓના કલ્યાણાર્થે જો યોગ્ય રીતે વાપરવામાં નહિ આવે તો તેનો હેતુ પાર નહિ પડે. તેણે જણાવ્યું હતું કે 'નિર્ભયા ફંડ'માં નાણાંની અછત નથી, પરંતુ મુખ્ય સવાલ તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનો છે.

 

(9:59 am IST)