Gujarati News

Gujarati News

News of Wednesday, 9th May 2018

કર્ણાટકમાં ડુપ્લીકેટ 'વોટર આઇડી'નો ઢગલો ઝડપાયો

કોંગ્રેસના ધારાસભ્યનો ફલેટ હોવાનો દાવોઃ કોંગ્રેસના સૂરજેવાલાનો વળતો ઘા, કહ્યું ભાજપ નેતાનો ફલેટ છેઃ ચૂંટણીપંચ એકસનમાં: ચૂંટણી રદ્દ કરવા ભાજપની માંગ

બેંગલુરૂ તા. ૯ : ચૂંટણીના થોડા દિવસ અગાઉ ચૂંટણી પંચે કર્ણાટકના બેંગલુરૂના રાજ રાજેશ્વરી નગરના જલાહલ્લીમાં એક ફલેટમાંથી ૯,૭૪૬ ડુપ્લીકેટ વોટર આઇડી કાર્ડ મળી આવવાની પુષ્ટી કરી છે. આ કાર્ડ કાગળમાં લપેટીને છુપાવી રાખવામાં આવ્યા હતા. ગતરાત્રીએ ચૂંટણી પંચે પત્રકાર પરીષદ યોજી આ મામલે તપાસના આદેશ આપ્યાં છે.

ભાજપનો આરોપ છે કે આ ફલેટ કોંગ્રેસના એક ધારાસભ્યનો છે. ભાજપે રાજ રાજેશ્વરી બેઠકની ચૂંટણી રદ્દ કરવાની માગ કરી છે. આ અગાઉ કેન્દ્રીય પ્રધાન સદાનંદ ગૌડાએ ડુપ્લીકેટ ઓળખ પત્ર ભરેલી બેગનો ફોટો ટ્વિટ કરતા કહ્યું કે આ લોકતંત્ર પર હુમલો છે. રાજ રાજેશ્વરી નગર બેંગલુરૂની સૌથી મોટી વિધાનસભા બેઠકમાંથી એક છે. અહીં ૪.૩૫ લાખ મતદારો છે.

બેંગાલુરૂના જલાહાલ્લી વિસ્તારમાં એક મકાનમાંથી મોટી સંખ્યામાં ડુપ્લીકેટ વોટર આઈડી કાર્ડ જપ્ત થયા છે. સંજીવ કુમારે જણાવ્યું કે તે પોતે ઘરમાં ગયા હતાં જયાંથી ૯ હજાર ૭૪૬ વોટર આઈડી કાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આઈડી કાર્ડને નાના બંડલોમાં બાંધીને રાખવામાં આવ્યા હતા.

દરેક બંડલ પર ફોન નંબર લખેલા હતા. આ ઉપરાંત ફલેટમાંથી પાંચ લેપટોપ, એક પ્રિન્ટર પણ મળી આવ્યું છે. આ સાથે જ સ્ટીલની ૨ પેટી પણ મળી આવી છે. આ મામલે ચૂંટણી પંચે ફરિયાદ દાખલ કરી છે. ચૂંટણી પંચ કમિશનર સંજીવ કુમારે જણાવ્યું કે રાજ રાજેશ્વરી મતવિસ્તારમાં ૪ લાખ ૩૫ હજાર ૪૩૯ મતદાર છે.

ત્યાંની વસ્તી પ્રમાણે તે ૭૫.૪૩ ટકા છે. ગત ટર્મમાં રિવીઝન દરમિયાન ૨૮ હજાર ૮૨૫ નામ જોડવામાં આવ્યા હતા. જે બાદ અપડેશન દરમિયાન ૧૯ હજાર ૧૨ નામ વધુ જોડવામાં આવ્યા હતા. આ સાથે જ ૮ હજાર ૮૧૭ લોકોના નામ હટાવાયા હતા.

આ મામલે ભાજપે રાજ રાજેશ્વરીના કોંગ્રેસના ઉમેદવાર પર ડુપ્લીકેટ આઈડી કાર્ડ બનાવવાનો આરોપ લગાવ્યો છે. ચૂંટણી પંચ સમક્ષ ચૂંટણી રદ્દ કરવાની માગણી કરી છે. આ બાજુ રણદીપ સુરજેવાલાએ ભાજપ પર વળતો પ્રહાર કર્યો.અને કહ્યું કે જે ફલેટમાંથી ઈલેકશન કાર્ડ ઝડપાયા છે.

આ ફલેટ ભાજપ નેતાનો છે. અને ઘરમાં રહેનારો વ્યકિત તેમનો પુત્ર છે. ૨૦૧૫માં રાકેશ ભાજપની ટિકિટ પર સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડયો હતો. જોકે તેમાં તે હારી ગયો હતો. પ્રકાશ જાવડેકરે સુરજેવાલાને જવાબ આપતાં કહ્યું કે મંજુલા ૬ વર્ષ પહેલા પાર્ટી છોડી ચૂકયા છે. જે ફલેટમાંથી આઈડી કાર્ડ જપ્ત કરાયા છે તે લીઝ પર છે.

(9:57 am IST)