Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

ભવ સાગર તરવા માટે રામનામ જપતા રહોઃ પૂ.મોરારીબાપુ

બિહારમાં આયોજીત ''માનસ સિયા''શ્રીરામકથાનો ચોથો દિવસ

રાજકોટ તા.૮: ''ભવસાગર તરવા માટે રામનામ જપતા રહો'' તેમ પૂ.મોરારીબાપુના વ્યાસાસને બિહારના સીતામઢી ખાતે આયોજીત ''માનસ સિયા'' શ્રીરામકથાના ચોથા દિવસે જણાવ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ ગઇકાલે ત્રીજા દિવસે કહ્યુ કે 'સીતા'શબ્દમાં જે 'સ' કાર' 'ઇ'કાર, 'તા'-આકાર છે તેમાં વિષ્ણુ બીજ માયાબીજ, અમૃતબીજ અને મોક્ષબીજ આ સર્વનો એમાં સમાવેશ થાય છે એટલે સિયાજુ તત્વ, પરમતત્વ છે. માટે જ કહું છું કે સિયાએ સંજ્ઞા નથી, સંબોધન છે.જાનકીના જો કે અન્ય કુલ બાર નામો છે...

મન વિશે બાપુએ ભારપૂર્વક કહ્યું હતું કે તમારૃં-મારૃં મન જ્યારે કયાંય ન લાગે ત્યારે સમજવું કે એ સ્થિતિ જ પરમાત્મા છે. ગુરૂ તમને કય્યાં ન (મનનાં પણ નહીં!) રહેવા દે અને તમે 'કયાંયના ન રહો'એમાં રહો એ જ પરમાત્મા છે. મન કયાંક-કયાંય લાગેએ પરમદશા હશે પણ મન કયાંય ન લાગે એ સ્થિતિ જ પરમાત્મા છે. બધા જ આધાર છૂટી જાય પછી જે બચે તે પરમ આધાર છે. મન લગાવવાની વાતો બધાં ખૂબ કર્યા કરે છે પણ મારી દૃષ્ટિએ તો મન લગાવવાની વાત નકામી છે, મન લગાવ્યા વગર જે શેષ રહે છે તે જ વિશેષ છે.

પૂ.મોરારીબાપુએ વધુમાં કહ્યુ કે રામ ઉપર આંગળી ઉઠી છે પણ હજુ સુધી કયાંય-કયારેય રામનામ પર કદીય આગળી નથી ઉઠી. અમુક બાબતોમાં હું ખોખલી ધાર્મિકતાને નથી સ્વીકારતો, હું કેટલીક બાબતોમાં રેશનાલીસ્ટ છું.શ્રધ્ધા તો એક આસ્થાનું નામ છે. ધર્મનું તત્વ તો ખૂબ ગુહ્ય છે પરંતુ આજે આવું કેટલુંક તત્વ નકામાં લોકોના હાથમાં આવી ગયું છે.

આજે ભોળી પ્રજાને જુદા-જુદા પ્રકારે ગુમરાહ કરાવાય છે ભગવાન તથાગત-બુધ્ધનું સરસ સૂત્ર છે કે જે સમૃધ્ધિ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કોઇ ઘટના તમારી આખો ભીની ન કરે તો એનાથી દૂર રહો. જે તીર્થ, કે જે સભામાં તમારા ગુરૂની નીંદા-ટીકા થાય તો તીર્થ કે સભા પણ છોડી દો. જેનોસંગ તમને કલુષિત કરે તે સંગ જ છોડી દ્યો! સિયાજુ એ પણ આવી ખોટી ધર્માધતા કે શાસ્ત્રાર્થનો વિરોધ કર્યો છે. એ સમયમાં શાસ્ત્રાર્થમાં જે કોઇ હારી જાય એને સજા રૂપે જળદંડમાં મૃત્યુ અપાતું હતું એવી પ્રથાનો સિયાજુએ વિરોધ કર્યા હતો, અને પોતાનો મત સ્થાપિત કર્યો હતો કે જ્ઞાન શાસ્ત્રાર્થની ચર્ચામાં કોઇ હારી જાય તો એને જળદંડ-મૃત્યુની સજા શા માટે? આ પ્રથા ઘાતકી-હિંસક છે. આ ન હોવું જોઇએ. એટલે હું સૌને ભારપૂર્વક કહું છું કે જાનકી પરમવિદ્યા છે.

(4:00 pm IST)