Gujarati News

Gujarati News

News of Tuesday, 9th January 2018

'પદ્માવત'માં લાગશે ૩૦૦ કટ! મેવાડ, દિલ્હી, ચિતોડના નામોને હટાવાશે

૨૫ જાન્યુઆરીએ દર્શકોને લાગશે ઝાટકોઃ સંપૂર્ણ વાર્તા કાલ્પનિક રીતે રજુ કરાશે

નવી દિલ્હી તા. ૯ : સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત ફિલ્મ 'પદ્માવતી'નું નામ બદલાવીને હવે 'પદ્માવત' કરવામાં આવ્યું છે. તમને સાંભળવા મળ્યું હશે કે ફિલ્મમાં પાંચ ફેરફાર બાદ તેને રીલીઝની મંજૂરી મળી ગઇ છે પરંતુ શું તમને ખબર છે કે તેમાં એક ફેરફારની અંદર ૩૦૦ કટ લાગશે!

આ ફિલ્મ અંદાજે ૧ વર્ષથી ચર્ચામાં છે. જેમાં દિપિકા પાદુકોણ રાણી પદ્માવતી એટલે કે પદ્મીની, શાહિદ કપૂર મહારાવત રતનસિંહ અને રણવીરસિંહ અલાઉદ્દીનની ભૂમિકામાં છે. 'પદ્માવત' પહેલા ૧ ડિસેમ્બરે રીલીઝ થવાની હતી જે કેટલાક સમૂહોના કારણે ટાળી દેવામાં આવી હતી. જોકે જ્યારથી આ ફિલ્મ બની છે ત્યારથી અલગ-અલગ અનેક વિરોધોનો સામનો કરવો પડયો છે.

મુંબઇ મિરરના રીપોર્ટના જણાવ્યા મુજબ ફિલ્મમાં જ્યાં પણ મેવાડ, દિલ્હી અને ચિત્તોડનો ઉલ્લેખ છે તેને હટાવામાં આવશે. એટલે કે હવે દર્શકો આ ફિલ્મને મોટા પરદે જોશે તો લોકોને એ સમજવું મુશ્કેલ થશે કે વીરતા અને બહાદુરીની વાર્તા જે તેઓ જોઇ રહ્યા છે તે વાસ્તવમાં કયાં બની હતી. દર્શકોને ન રાણી પદ્માવતી મળશે કે ન અલાઉદ્દીન ખિલજી અને દર્શકો માટે આ બધુ આશ્ચર્ય પમાડે તેવું હશે.

'પદ્માવત'ની તુલના હવે અભિષેક ચૌબેની ફિલ્મ ઉડતા પંજાબ સાથે કરાઇ રહી છે. જેમાં તત્કાલીન સેન્સર બોર્ડના અધ્યક્ષ પહલાજ નિહલાનીએ પંજાબ, જાલંધર, ચંદીગઢ, અમૃતસર, તરનતારન, લુધિયાણા અને મોગા જેવા સ્થળોના નામ હટાવા કહ્યું હતું. જો કે ફિલ્મના નિર્માતાઓએ કોર્ટમાં આ લડાઇ જીતી લીધી હતી.

(4:14 pm IST)