Gujarati News

Gujarati News

News of Thursday, 8th December 2022

આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાના છે: ચૂંટણી ગુજરાતના 25 વર્ષની છે : પ્રચારમાં પીએમ મોદીની અપીલે ઇતિહાસ રચ્યો

- ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદીએ સંભાળી અને ચૂંટણી જાહેર થયા બાદ અનેક રેલીઓ સંબોધી: પીએમ મોદી દરેક સભાના અંતમાં લોકોને પોતાનું એક કામ કરવાનું કહેતા અને રેકોર્ડ સર્જ્યો 

અમદાવાદ :  ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તમામ રેકોર્ડ તોડીને સત્તાના શિખરે પહોંચી છે. ભાજપે માધવસિંગ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસે 1985ની ચૂંટણીમાં જીતેલી 149 સીટનો રેકોર્ડ ધરાશાયી કરી દીધો છે. ભારતીય જનતા પાર્ટી 158 સીટો પર જીત મેળવી રહી છે. તો બીજીતરફ કોંગ્રેસે ગુજરાતમાં પોતાના ઈતિહાસનું સૌથી ખરાબ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસને વિપક્ષનો દરજ્જો પણ મળે તેવી સ્થિતિ નથી. કોંગ્રેસ માત્ર 16 સીટ જીતી રહી છે. ભાજપની આ મહાજીતનું કારણ નરેન્દ્ર મોદીને માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુબ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીએ સંભાળી હતી. ગુજરાતમાં ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીએ અનેક રેલીઓ સંબોધી હતી.અમદાવાદ, સુરત સહિત અન્ય જગ્યાઓ પર મોટો રોડ શો પણ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદી દરેક ચૂંટણી સભામાં કહેતા હતા કે આ વખતે ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાના છે. તેમણે જનતાને કહ્યું હતું કે આ ચૂંટણી ગુજરાતના આવનારા 25 વર્ષની ચૂંટણી છે.
ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દરેક સભામાં આવેલા લોકોને એક ખાસ અપીલ કરતા હતા. પીએમ મોદી દરેક સભાના અંતમાં લોકોને પોતાનું એક કામ કરવાનું કહેતા હતા. પીએમ મોદી સભામાં હાજર લોકોને કહેતા હતા કે, 'તમે આ સભા બાદ દરેક ઘરે-ઘરે જઈને વડીલોને કહેજો કે આપણા શહેરમાં આપણા નરેન્દ્ર ભાઈ આવ્યા હતા. તેમને મારી યાદી આપજો. પીએમ મોદી કહેતા હતા કે કે વડીલોના આશીર્વાદ મારા માટે મહત્વના છે. તેમના આશીર્વાદથી હું અહીં પહોંચ્યો છું.' હવે ચૂંટણી પરિણામ બાદ લાગી રહ્યું છે કે પીએમ મોદીએ જનતાને જે કામ કરવાનું કહ્યું હતું તે જનતાએ કરી દીધુ છે. 

ભારતીય જનતા પાર્ટી છેલ્લા 27 વર્ષથી ગુજરાતની સત્તામાં હતી. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રી બાદ લાગી રહ્યું હતું કે ભાજપ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે. આપના દરેક નેતા અને અરવિંદ કેજરીવાલ સતત ભાજપ વિરુદ્ધ ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતા. બીજીતરફ કોંગ્રેસ જોરશોર કર્યા વગર પ્રચાર કરી રહી હોય તેમ લાગી રહ્યું હતું. પરંતુ આ ત્રિકોણીય મુકાબલામાં ભાજપે ઈતિહાસ રચી દીધો છે. ભાજપને 54 ટકા જેટલા મત મળ્યા છે. એટલે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પ્રથમવાર 50 ટકાથી વધુ મત મેળવવામાં સફળ રહી છે. તો સીટની દ્રષ્ટિએ પણ રેકોર્ડ બનાવી દીધો છે. 

ગુજરાતમાં ચૂંટણી જાહેર થઈ તે પહેલાથી આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના તમામ નેતાઓ રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો કરતા હતા. પરંતુ ચૂંટણી પરિણામ આવ્યા બાદ લાગી રહ્યું છે કે તેમના તમામ દાવાઓ ગુજરાતની જનતાએ નકારી દીધા છે. કોંગ્રેસની સ્થિતિ તો એવી થઈ છે કે તેને વિપક્ષનો દરજ્જો મળે તે પણ લાગતું નથી. જ્યારે આપના ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયા સહિત અનેક નેતાઓની હાર થઈ છે. 

(9:42 pm IST)