Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

બુલંદશહેરના SSP સહિત અનેકની કરાયેલ બદલીઓ

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કાર્યવાહી : પ્રભાકર ચૌધરી બુલંદશહેરના નવા એસએસપી : હિંસાના મુખ્ય કેન્દ્ર ચિંગરાવતી ચોકીના ઈન્ચાર્જની કરાયેલ બદલી

મેરઠ, તા.૮  : બુલંદશહેરમાં હિંસા કેસના સંબંધમાં મોટાપાયે પોલીસ તંત્રમાં ફેરફાર કરવામાં આવ્યા છે. એસએસપી કૃષ્ણબહાદુરસિંહની ડીજીપી હેડક્વાર્ટરમાં બદલી કરવામાં આવી છે. આવી જ રીતે સર્કલ ઓફિસર સાયાના સત્યપ્રકાશ શર્માની બદલી મોરાદાબાદમાં કરવામાં આવી છે. આવી જ રીતે હિંસાના મુખ્ય કેન્દ્ર તરીકે રહેલા ચિંગરાવતી ચોકીના ઈન્ચાર્જ સુરેશકુમારની બદલી લલિતપુરમાં કરવામાં આવી છે. આ સંદર્ભમાં માહિતી આપતા ડીજીપી ઓફિસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તમામ પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. લખનૌમાં સ્થિત પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારના દિવસે ભડકી ઉઠેલી હિંસાને કાબુમાં લેવામાં નિષ્ફળતા બદલ અધિકારીઓ સામે મુખ્યમંત્રીની ઓફિસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ હિંસામાં સ્યાના પોલીસ સ્ટેશનના અધિકારી સુબોધ કુમારસિંહની હત્યા થઈ ગઈ હતી. તોફાની ટોળા દ્વારા સુબોધકુમારને ટાર્ગેટ બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આંદોલનકારી સુમિતકુમારનું પણ મોત થયું હતું. નજીકના ખેતરમાં ગૌવંશ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યા બાદ બુલંદશહેરમાં હિંસાની શરૂઆત થઈ હતી. પ્રભારક ચૌધરીની બુલંદશહેરમાં નવા એસએસપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેટલાક મામલામાં નક્કર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. સમગ્ર મામલામાં હજુ સુધી આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

હિંસામાં સામેલ રહેલા આર્મી જવાન જીતુ ફોજીની પણ અટકાયત કરી લેવામાં આવી છે. સુબોધકુમારની હત્યાના બનાવ બાદ ભારે ખળભળાટ મચી ગયો હતો. ઉત્તરપ્રદેશ પોલીસ અને સરકારની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. હવે ધરપકડનો દોર જારી રહ્યો છે. પોલીસમાં બદલીઓનો દોર પણ આજે મોટાપાયે હાથ ધરવામાં આવ્યો હતો.

 

(7:36 pm IST)