Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

હીરાના વેપારીની લાશ મળી, કોલ ડિટેલમાં ખુલ્યું આ પ્રખ્યાત અભિનેત્રીનું નામ

નવી મુંબઇના પનવેલ વિસ્તારમાં હીરાના વેપારીની લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે : વ્યાપારી ૨૮ નવેમ્બરથી ગૂમ હતા

મુંબઈ તા. ૮ : નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં મુંબઈના એક હીરાના વેપારીની લાશ મળી આવતા હાહાકાર મચી ગયો છે. વ્યાપારી ૨૮ નવેમ્બરથી ગૂમ હતો. આ હીરાના વેપારીના કાર મુંબઈના ઈસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર મળી. કોલ ડિટેલથી ખુલાસો થયો કે મૃતક ડાન્સ બારમાં કામ કરનારી અનેક યુવતીઓ સહિત ટીવી સિરિયલમાં કામ કરતી અભિનેત્રીઓ સાથે પણ સંપર્કમાં હતો. પોલીસે ટેલીવિઝનના પડદે 'ગોપી વહુ'ના નામથી પ્રચલિત દેવોલીના ભટ્ટાચાર્યજી સહિત ૨૦ લોકોની પૂછપરછ કરી છે.

પોલીસના જણાવ્યાં મુજબ ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના વેપારી રાજેશ્વર ૨૮ નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પાછા આવવાનું કહીને નીકળ્યા હતાં. પરંતુ બીજા દિવસે સવાર સુધી તેઓ પાછા ફર્યા નહીં, ત્યારબાદ તેમના પરિવારે મુંબઈના પંતનગર પોલીસ સ્ટેશનમાં ગૂમ થવા અંગેની ફરિયાદ નોંધાવી.

આ હાઈપ્રોફાઈલ મિસિંગ મિસ્ટ્રી કેસની તપાસમાં પોલીસને તરત સમજાઈ ગયું કે આ મામલો ખુબ પેચીદો છે. પોલીસે ૨ દિવસ બાદ અપહરણનો કેસ પણ નોંધી લીધો. ત્યારબાદ આ વિસ્તારના સીસીટીવીની તપાસ શરૂ કરવામાં આવી તો પોલીસને ખબર પડી કે રાજેશ્વર કોઈ અન્ય કારમાં મુંબઈથી નવી મુંબઈ તરફ જતા જોવા મળ્યાં હતાં.

ટોલનાકા પર પોલીસને જે સીસીટીવી ફૂટેજ મળ્યા તેમાં તસવીરો ખુબ જ ધૂંધળી હતી. આવામાં તેમની કારની ઓળખ કરવી પોલીસ માટે સમસ્યા બની હતી. આ બધા વચ્ચે રાજેશ્વરની કાર ઈસ્ટર્ન એકસપ્રેસ હાઈવે પર લાવારિસ હાલાતમાં મળી આવી.

પોલીસ આ કેસની તપાસમાં લાગી હતી. આ બધા વચ્ચે ૭ ડિસેમ્બરના રોજ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં ઝાડીઝાંખરામાં એક અજાણી વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો. લાશની ઓળખ સરળ નહતી. પોલીસના જણાવ્યાં મુજબ રાજેશ્વરના કપડાં અને જૂતાથી તેની ઓળખ થઈ શકી.

પોલીસને ઘટનાસ્થળે એવો કોઈ સુરાગ મળ્યો નહીં કે જેનાથી હત્યાકાંડનો પર્દાફાશ થઈ શકે. આવામાં પોલીસને રાજેશ્વરના કોલ ડિટેલમાંથી એક એવા નંબરની ઓળખ થઈ જે જેના પર સતત રાજેશ્વરની વાત થતી હતી. આ કોલ ડિટેલ્સમાં મુંબઈથી લઈને નવી મુંબઈ તથા રાયગઢની અનેક બાર ડાન્સર્સના નામ છે.

આ બધા નામોમાં મશહૂર ટીવી સિરિયલ સાથ નિભાના સાથીયાની અભિનેત્રી અને ટીવીની ગોપી  બહુના નામથી પ્રચલિત દેબોલિના ભટ્ટાચાર્યનું નામ પણ સામેલ છે. પોલીસે તેની પણ પૂછપરછ શરૂ કરી દીધી છે.

એસીપી માનસિંહ પાટીલે જણાવ્યું કે પોલીસે આ મામલે હજુ સુધી ૨૦ લોકોના નિવેદનો નોંધ્યા છે. પરંતુ હજુ સુધી આ મર્ડર કેસને લઈને કોઈ પરિણામ પર પહોંચી નથી. આ મામલે પોલીસ ટીવી સિરિયલ અને ડાન્સ બાર ગર્લ્સની પૂછપરછ કરી રહી છે. (૨૧.૧૫)

(4:12 pm IST)