Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

ભારતમાં કુલ વ્યકિતગત સંપત્તિ ૧૪.૦૨% વધીને રૂ. ૩૯૨ લાખ કરોડ થઇ

ભારતમાં વ્યકિતગત નાણાકીય સંપત્તિ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ સુધીમાં ૧૭ ટકાના: વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે વધીને બમણાથી વધારે એટલે કે રૂ. ૫૧૭.૮૮ લાખ કરોડ થઇ જશે

મુંબઇ તા. ૮ : ભારતમાં છેલ્લાં થોડાં વર્ષોમાં લોકોની સંપત્તિમાં વૃદ્ઘિને વેગ મળ્યો છે અને નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ભારતમાં વ્યકિતગત સંપત્તિ ૧૪ ટકા વધીને રૂ. ૩૯૨ લાખ કરોડ થઈ હતી. આ માટે નાણાકીય એસેટ્સમાં ૧૭.૪૨ ટકાની ઊંચી વૃદ્ઘિ અને ભૌતિક મિલકતોમાં ૯.૨૪ ટકાની વૃદ્ઘિ મુખ્યત્વે જવાબદાર હતી.

આ એસેટ્સમાં ડાયરેકટ ઇકિવટી ટોચના સ્થાને છે, જેમાં ભારતીયો ફિકસ્ડ ડિપોઝિટની સરખામણીમાં વધુ રોકાણ ધરાવે છે. અન્ય જાણીતી મિલકતોમાં મ્યુચ્યુઅલ ફંડ્સ અને વૈકલ્પિક રોકાણમાં સારી વૃદ્ઘિ જોવા મળી હતી.

ફાઇનાન્શિયલ સર્વિસિસ જૂથ કાર્વી ગ્રૂપની વેલ્થ મેનેજમેન્ટ કંપની કાર્વી પ્રાઇવેટ વેલ્થે 'ઇન્ડિયા વેલ્થ રિપોર્ટ ૨૦૧૮'માં આ માહિતી આપી હતી. આ રિપોર્ટ છેલ્લા એક વર્ષમાં સંપત્તિના સર્જનમાં પ્રદાન સાથે સંબંધિત છે.

કાર્વી પ્રાઇવેટ વેલ્થના ચીફ એકિઝકયુટિવ ઓફિસર અભિજિત ભાવેએ કહ્યું કે, 'નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ડાયરેકટ ઇકિવટી પસંદગીની એસેટ તરીકે ઊભરી આવી છે. વૈશ્વિક બજારો અને ભારતીય બજારોમાં ચડઊતર વર્ષના બીજા અર્ધવાર્ષિક ગાળામાં વધારે જોવા મળી હતી, છતાં હજુ પણ ભારતમાં સ્થિતિ સારી છે અને ચીન પાસેથી 'વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા સૌથી મોટા વિકસિત અર્થતંત્ર' તરીકેનું સ્થાન પચાવી પાડ્યું છે.'

એશિયા પેસિફિકમાં અબજોપતિઓની વસતિમાં ચોથા ક્રમે રહીને ભારતે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં વિશ્વમાં સૌથી વધુ ઝડપથી વૃદ્ઘિ કરી હતી, જેમાં HNIની વસતિમાં ૨૦.૪ ટકાનો અને HNIની સંપત્તિમાં ૨૧.૬ ટકાનો વધારો થયો હતો.

નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ઇકિવટી બજારની સકારાત્મક કામગીરીએ એને UHNI/HNIs માટે સૌથી વધુ પસંદગીની એસેટ બનાવી હતી. હાલમાં ભારતમાં વ્યકિતગત નાણાકીય સંપત્તિમાં ડાયરેકટ ઇકિવટીનો હિસ્સો ૨૦.૭ ટકા છે. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં સંપત્તિનાં સૌથી મોટાં સંચાલક પરિબળોમાં એક પરિબળ તરીકે મ્યુચ્યુઅલ ફંડ્સે ૩૪.૫ ટકાની વૃદ્ઘિ સાથે સ્થાન જાળવી રાખ્યું છે. તેમાં રેગ્યુલર એસઆઇપી અને લમ્પ સમ રોકાણ એમ બંને મારફતે વધારો થયો છે. ઇકિવટીની પોઝિટિવ કામગીરીને કારણે બેંક ડિપોઝિટમાં ૧૦ ટકાથી ઓછા દરે વધારો થયો હતો.

રોકાણકારોને વૈકલ્પિક રોકાણની ક્ષમતા સમજાઈ છે અને વૈકલ્પિક રોકાણમાં ૩૩.૪૬ ટકાનો વધારો થયો હતો. તાજેતરમાં વિકાસશીલ બજારોનાં ચલણનાં મૂલ્યમાં ઘટાડો થવાથી આંતરરાષ્ટ્રીય રોકાણોમાં નવેસરથી રસ પેદા થયો હતો, જેનાથી નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં ૨૫.૮૩ ટકાનો વધારો થયો હતો. ભૌતિક મિલકતોમાં રિયલ એસ્ટેટ શ્રેષ્ઠ કામગીરી કરતી એસેટ છે, જેમાં અગાઉના વર્ષની સરખામણીમાં ૧૦.૩૫ ટકાનો વધારો થયો હતો.

એક અંદાજ મુજબ, ભારતમાં વ્યકિતગત નાણાકીય સંપત્તિ નાણાકીય વર્ષ ૨૦૨૨-લૃ૨૩ સુધીમાં ૧૭ ટકાના વાર્ષિક ચક્રવૃદ્ઘિ દરે વધીને બમણાથી વધારે એટલે કે રૂ. ૫૧૭.૮૮ લાખ કરોડ થઈ જશે. આ વધારા માટે ડાયરેકટ ઇકિવટી અને મ્યુચ્યુઅલ ફંડમાં વધારો મહત્ત્વપૂર્ણ બની રહેશે એવી ધારણા છે, જેમાં આગામી પાંચ વર્ષમાં અનુક્રમે ૨૪.૪૧ ટકા અને ૨૧.૦૪ ટકાનો વધારો થશે એવો અંદાજ છે.(૨૧.૪)

(10:17 am IST)