Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

ઈમરાન પર હુમલામાં ૨૪ કલાકમાં કેસ નોંધવા પાક.ની સુપ્રીમ કોર્ટનો આદેશ

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન પર ત્રીજી નવેમ્બરે હુમલો કરાયો હતો : ઈમરાનની પાર્ટી પીટીઆઈએ આર્મી મેજર જનરલ ફૈઝલ નઝીરને હુમલામાં આરોપી બનાવવા માટે અરજી દાખલ કરી

ઈસ્લામાબાદ, તા.૮ : પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈ હવે ૯ નવેમ્બરથી લોંગ માર્ચ શરૃ કરશે. અગાઉ તે ૮મી નવેમ્બરથી શરૃ થવાની હતી. દરમિયાન, પીટીઆઈ સમર્થકોએ મોડી સાંજે લાહોરના ગવર્નર હાઉસની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું શરૃ કર્યું. રાવલપિંડીમાં શાળા-કોલેજો બે દિવસ માટે બંધ છે. બીજી તરફ, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાન ખાન પર હુમલાના મામલામાં પંજાબના પોલીસ વડાને ૨૪ કલાકમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે ઈમરાન ખાન પર ૩ નવેમ્બરે પંજાબના વજીરાબાદ વિસ્તારમાં લોંગ માર્ચનું નેતૃત્વ કરતી વખતે હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઈને કોર્ટે ચેતવણી આપી છે કે, જો કેસ નોંધવામાં નહીં આવે, તો તે ખુદ જ કોઈ નિર્ણય લેશે. ઈમરાનની પાર્ટી પીટીઆઈએ આર્મી મેજર જનરલ ફૈઝલ નઝીરને હુમલામાં આરોપી બનાવવા માટે અરજી દાખલ કરી છે. આથી ૨ નવેમ્બરે થયેલા હુમલા બાદ પણ કેસ નોંધવામાં આવ્યો ન હતો. પાકિસ્તાનમાં પૂર્વ પીએમ ઈમરાન ખાનના ભાષણનું લાઈવ ટેલિકાસ્ટ રોકવા માટે સૂચના આપવામાં આવી છે. પાકિસ્તાન ઈલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (પીઈએમઆરએ) એ આ અંગે નોટિસ જાહેર કરી છે. નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ઈમરાનના કોઈપણ ભાષણ અને પ્રેસ કોન્ફરન્સને પણ ફરીથી પ્રસારિત કરવામાં આવશે નહીં.

ઓથોરિટીનું કહેવું છે કે, શુક્રવારે ઈમરાન લાઈવ આવ્યો હતો અને રાજ્ય સંસ્થાઓ પર પાયાવિહોણા આરોપો લગાવ્યા હતા. આ કારણે દેશમાં લોકોમાં નફરત ફેલાઈ રહી છે અને શાંતિ વ્યવસ્થામાં ખલેલ પહોંચવાની આશંકા છે. ઓગસ્ટમાં પણ ઈમરાનના લાઈવ સ્પીચ પર નફરતભર્યા ભાષણ આપવા બદલ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. વાસ્તવમાં ઈમરાને લાઈવ આવીને દેશને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેણે સરકાર અને સેના પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. ઈમરાને આ આરોપો પીએમ શાહબાઝ શરીફ, ગૃહમંત્રી રાણા સન્નાઉલ્લાહ અને મેજર જનરલ ફૈઝલ પર લગાવ્યા છે. ઈમરાને ૨૮ ઓક્ટોબરે શાહબાઝ શરીફ સરકારના રાજીનામા અને તાત્કાલિક સામાન્ય ચૂંટણીની માંગ સાથે લોંગ માર્ચ શરૃ કરી હતી. ગુરુવારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ઈસ્લામાબાદ માર્ચમાં એક વ્યક્તિએ ગોળીબાર કર્યો હતો. આમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે ઈમરાનની પાર્ટી પીટીઆઈના સાંસદ ફૈઝલ જાવેદ સહિત ૧૩ લોકો ઘાયલ થયા હતા. હુમલાના વિરોધમાં ઈમરાનના સમર્થકોએ દેશભરમાં દેખાવો શરૃ કર્યા છે.

(8:11 pm IST)