Gujarati News

Gujarati News

News of Tuesday, 8th November 2022

આવતા સપ્‍તાહે થઇ જશે વિશ્વની વસ્‍તી ૮ અબજને પાર

ભારત અને ચીનની વસ્‍તીમાં થઇ જશે મોટો ફેરફાર : વર્ષ ૧૯૫૦માં વિશ્વની વસ્‍તી ૨.૫ અબજ હતી, તેની તુલનામાં અત્‍યારે વસ્‍તી ત્રણ ગણી વધી ગઇ છે

જીનીવા,તા.૮ : વિશ્વની વસ્‍તી સતત વધી રહી છે. સંયુક્‍ત રાષ્ટ્રના જણાવ્‍યા પ્રમાણે આગામી સપ્તાહમાં એક મહત્‍વનો સીમાચીન્‍હરૂપ સ્‍થિતિ જોવા મળશે. એટલે કે આગામી સપ્તાહે દુનિયાની વસ્‍તી ૮ અબજને પાર કરી જશે. સંયુક્‍ત રાષ્ટ્ર જનસંખ્‍યા વિભાગનું કહેવું છે કે આગામી દાયકામાં વસ્‍તી વૃદ્ધિનું આ વલણ આગળ વધશે. અપેક્ષિત જીવન એટલે કે આયુષ્‍ય વર્ષ ૨૦૫૦ સુધીમાં વધીને ૭૭.૨ વર્ષ થઈ જશે. ૧૫ નવેમ્‍બર સુધીમાં પૃથ્‍વી પર માનવીની વસ્‍તી ૮ અબજને પાર થઈ જશે,જે વર્ષ ૧૯૫૦માં ૨.૫ અબજની તુલનામાં ત્રણ ગણી હશે.

સંયુક્‍ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે અપેક્ષિત જીવનમાં વૃદ્ધિની સાથે સાથે બાળકો પેદા કરવાની ઉંમરમાં લોકોની સંખ્‍યાને જોતા સંયુક્‍ત રાષ્ટ્રએ આગાહી કરી છે કે વર્ષ ૨૦૩૦ સુધીમાં વિશ્વની વસ્‍તી ૮.૫ અબજ અને વર્ષ ૨૦૫૦ સુધીમાં ૯.૭ અબજ તથા ૨૦૮૦ના દાયકામાં ૧૦.૪ અબજ થઈ જવાની શક્‍યતા છે. ૧૯૬૦ના દાયકામાં વસ્‍તી વધારાની ઝડપ તેની ચરમસીમા પર હતી, જે વર્ષ ૨૦૨૦માં નાટ્‍યાત્‍મક રીતે ૧ ટકા જેટલી નીચે આવી ગઈ છે.

ચીનના નિષ્‍ણાતોનું માનવું છે કે પ્રાદેશિક જનસંખ્‍યામાં અંતર આગળ જતા જિયોપોલિટિક્‍સમાં મહત્‍વની ભૂમિકા ભજવી શકે છે. બદલાઈ રહેલા રુઝાનનું અન્‍ય એક ઉદાહણ જોઈએ તો વિશ્વમાં સૌથી વધારે વસ્‍તીવાળા દેશ તેની જગ્‍યા પર પરસ્‍પર બદલાઈ જશે. સંયુકત રાષ્ટ્રના જણાવ્‍યા પ્રમાણે ૨૦૨૩ની શરૂઆતમાં ભારત વસ્‍તીમાં પ્રથમ સ્‍થાને પહોંચી જશે અને ચીન બીજા ક્રમ પર પહોંચી જશે. ચીનની વસ્‍તી ૧.૪ અબજ છે, જે ૨૦૫૦ સુધી ઓછી થઈ ૧.૨ અબજ થશે. આ સાથે એવી પણ માહિતી મળી છે કે ચીનની વસ્‍તી ૮૦ કરોડ પહોંચી શકે છે. ભારતમાં વસ્‍તી વધારાનો દર ચીનની તુલનામાં ઘણો વધારે હોવાનું જાણવા મળ્‍યું છે.

(11:02 am IST)