Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

નેપાળે ડેમનું કામ અટકાવી, દળોની સાથે મારામારી કરી

બિહારમાં પૂરને રોકવા બંધ બને છે

કાઠમંડુ, તા. ૮ :  ચીનના ખોળે બેઠેલા નેપાળ અને ભારત વચ્ચે ચાલી રહેલો સરહદી વિવાદ હજી ચાલુ છે. નેપાળે ફરી એક વખત દાદાગીરી કરીને બિહાર અને નેપાળની બોર્ડર પર લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાંખવાની ધમકી આપી છે. નેપાળની નદીઓમાં આવતા પૂરના કારણે બિહારના પૂર્વી ચંપારણ્ય જિલ્લામાં દર વર્ષે તબાહી સર્જાતી હોય છે. જેને રોકવા માટે સરકારે બંધનું નિર્માણ શરુ કર્યુ છે. જેને નેપાળે પોતાની જમીન બતાવીને બાંધકામ રોકાવી દીધું છે. નેપાળના સુરક્ષા દળોના જવાનોએ તેમજ નજીકના ગામના લોકોએ ભારતના સશસ્ત્ર સીમા બળના જવાનો સાથે મારપીટ કરી હોવાના પણ અહેવાલો છે.

૩૦ મેથી બંધનુ કામ રોકાઈ ચુક્યુ હોવાથી સરકારની સૂચના પ્રમાણે ભારત અને નેપાળની એક ટીમે વિવાદિત જગ્યાનો સર્વે કર્યો હતો. જે નદી પર આ બંધ બંધાઈ રહ્યો છે તે નેપાળના પહાડી વિસ્તારોમાં થઈને બિહારમાંથી પસાર થાય છે. ૨૦૧૭માં તેમાં વિનાશક પૂર આવ્યા બાદ અહીંયા બનાવાયેલા ડેમને ઉંચો કરવાનું કામ શરુ કરવામાં આવ્યું છે. જોકે, નેપાળે હવે આડાઈ કરીને ડેમના કેટલાક વિસ્તારમાં કામ રોકી રાખ્યું છે.

(10:10 pm IST)