Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કર્મચારીઓના પગારમાં ૮ ટકાનો વધારો કરવાનો ICICI બેંકનો નિર્ણય

બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ ૮૦ હજાર કર્મચારી છેઃ આ બધાના પગારમાં વધારો થશે

મુંબઇ, તા.૮: દેશની ખાનગી બેન્કોમાં બીજા નંબરની સૌથી મોટી બેંક આઈસીઆઈસીઆઈ બેંકે તેના કર્મચારીઓના પગારમાં ૮ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. બેંકમાં ફ્રન્ટલાઈનમાં કુલ ૮૦ હજાર કર્મચારી છે. આ બધાના પગારમાં વધારો થશે. આ આંકડો તેના કુલ કર્મચારીઓનો ૮૦ ટકા છે. તેવી જ રીતે, ફ્યુચર જનરલી વીમાએ પણ તેના કર્મચારીઓના પગારમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બેન્ક કર્મચારીઓએ કોરોનાના સમયમાં ખૂબ જ સારું કામ કર્યું છે. આ સેવાઓને ધ્યાનમાં રાખીને પગારવધારાનો નિર્ણય લેવાયો છે. બેંકના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૮ ટકા પગારમાં વધારો થશે. તે જુલાઈથી અમલમાં આવશે. આ કર્મચારીઓ એમ ૧ અને તેનાથી નીચેના વર્ગના છે. આ કમર્ચારીઓ ગ્રાહકોની સેવાઓમાં સૌથી નિકટતાથી જોડાયેલ હોય છે. વધુમાં આ કમર્ચારીઓ જ શાખાઓની કામગીરી અને બેંકની કામગીરીમાં મુખ્ય ભાગ ભજવે છે.બેંકે માર્ચ કવાર્ટરમાં નફામાં ૨૬ ટકાનો વધારો દર્શાવ્યો હતો. આ નફો ૧,૨૨૧ કરોડ રૂપિયા હતો.

બીજી તરફ ફ્યુચર જનરલીએ એક નિવેદનમાં કહ્યું છે કે આર્થિક સંકટનો સામનો કરવા છતાં કર્મચારીઓને પ્રમોશન અને પગારમાં વધારો થશે. આ ઉપરાંત કમર્ચારીઓની છટણી કરવામાં નહીં આવે. કંપનીએ કહ્યું કે જો સક્રિય એજન્ટ કોવિડ -૧૯ પોઝિટિવ હશે તો તેમને પ્રોત્સાહન રૂપે ૫૦,૦૦૦ના રકમ તેમને અને તેના પરિવારને આપવામાં આવશે.કંપનીના એમડી અનૂપ રાઉએ કહ્યું કે હાઉસકીપિંગથી લઈને કર્મચારીઓ સુધીના તમામ સ્ટાફને બોનસ મળશે અને પગારમાં વધારો કરવામાં આવશે.

(3:47 pm IST)