Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

ચિત્રકુટ : ખાણમાં મજુરીના નામે સગીરાનું યૌનશોષણ

ડીએમએ આપ્યા તપાસના આદેશ : દિલ્હી મહિલા આયોગ અધ્યક્ષ દ્વારા કાર્યવાહીની માંગ

ચિત્રકુટ તા. ૮ : ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ પ્રાંતમાં ખાણમાં મજૂરીકામ મેળવવા માટે ગરીબ સગીરાઓએ પોતાના દેહનો સોદો કરવો પડતો હોવાનું સામે આવ્યું છે. એક અહેવાલ પ્રમાણે ગરીબ સગીરાઓને મજૂરીકામ આપવાના બદલામાં તેમનું યૌન શોષણ કરવામાં આવતું હતું. સમગ્ર કિસ્સો સામે આવ્યા બાદ ડીએમ શેષમણિ પાંડેએ આ મામલે મેજિસ્ટ્રી તપાસનો આદેશ આપ્યો છે અને દોષિતો વિરૂદ્ઘ આકરી કાર્યવાહી કરવામાં આવશે તેની ખાતરી આપી છે.

ચિત્રકૂટના જિલ્લાધિકારી શેષમણિ પાંડેએ ટ્વિટમાં લખ્યું હતું કે, 'હાલ જ મેં ચેનલ પર પ્રસારિત વિશેષ રિપોર્ટ જોયો. વર્ણવવામાં આવેલા ઘટના ક્રમની ઉંડી તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ નિંદનીય કૃત્યમાં જે પણ દોષિત જણાશે તેના વિરૂદ્ઘ આકરી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈને માફ નહીં કરવામાં આવે.'

હકીકતે મંગળવારે એક ખાનગી ચેનલે પોતાના રિપોર્ટમાં ચિત્રકૂટની ખાણમાં કોન્ટ્રાકટર્સ અને વચેટિયાઓ ગરીબ છોકરીઓનું યૌન શોષણ કરતા હોવાનું દર્શાવ્યું હતું. રિપોર્ટમાં બતાવ્યા પ્રમાણે છોકરીઓએ મજૂરી મેળવવા માટે યૌન શોષણનું શિકાર બનવું પડે છે. જે છોકરીઓ આ માટે તૈયાર ન થાય તેમને કોન્ટ્રાકટર્સ અને વચેટિયાઓ મજૂરીકામ નથી આપતા. મજૂરી મેળવવા માટે તે છોકરીઓએ પોતાના દેહનો સોદો કરવો પડે છે અને જો તે ના પાડે તો મજૂરીકામથી વંચિત રહે છે.ઙ્ગ

દિલ્હી મહિલા આયોગના ચેરપર્સન સ્વાતિ માલીવાલે ટ્વિટ કરીને યોગી આદિત્યનાથ સરકાર સમક્ષ આ મામલે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. તેમણે લખ્યું હતું કે, 'ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં ૧૦થી ૧૮ વર્ષની બાળકીઓ સાથે ખાણમાં કામ આપવાના બહાને હેવાનિયત આચરવામાં આવી રહી છે. આવું કઈ રીતે બની શકે કે આ નાની બાળકીઓને આ રીતે ચૂંથવામાં આવી રહી છે અને પ્રશાસનને તેની કોઈ જાણ જ નથી? ખૂબ જ શરમજનક. યોગી આદિત્યનાથજી તરત જ આકરી કાર્યવાહી કરાવો.'

(12:54 pm IST)