Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

સાઉદી અરેબિયાએ હજ માટે પસંદગી પ્રક્રિયા જાહેર કરી: આ વર્ષે 70 ટકા હાજી સાઉદીમાં રહેતા બિન-સાઉદી નાગરિક હશે

ફક્ત 30 ટકા હાજી સાઉદીના નાગરિક હશે : સ્વાસ્થ્યકર્મી અને સુરક્ષાકર્મીને પ્રથમ પસંદગી

નવી દિલ્હી : આ વર્ષે કોરોના વાઇરસના સંક્રમણને કારણે સાઉદી અરબે હાજીઓની સંખ્યા સીમિત કરી દીધી છે. આ સંખ્યામાં પણ કોણ-કોણ હશે એને લઈને પસંદગી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે.

સાઉદી અરેબિયાની સરકારી ન્યૂઝ એજન્સી સાઉદી પ્રેસ અનુસાર હાજી અને ઉમરા મંત્રાલયે હાજીઓની પસંદગી પ્રક્રિયાની ઘોષણા કરી છે.

આ વર્ષે 70% હાજી સાઉદીમાં રહેતા બિન-સાઉદી નાગરિક હશે. ફક્ત 30 ટકા હાજી સાઉદીના નાગરિક હશે. એમાં પણ એ લોકોને પસંદગી મળશે જેઓ સ્વાસ્થ્યકર્મી અને સુરક્ષાકર્મી છે અને જેઓ કોરોના સંક્રમિત થયા બાદ સ્વસ્થ થયા છે.

સાઉદી પ્રેસ એજન્સીના અનુસાર જેમણે કોરોના વાઇરસ સામેની લડતમાં પોતાના જીવની પરવા ન કરી એમને માટે આ ભેટ છે.

સાઉદીમાં રહેનારા 20થી 50 વર્ષની ઉંમરના બિન-સાઉદી નાગરિકોને કેટલીક શરતો સાથે પ્રાથમિકતા અપાશે. પસંદગી પ્રક્રિયા 6 જુલાઇથી શરૂ થઈ છે અને 5 દિવસ માટે 10 જુલાઈ સુધી ઑનલાઈન રજિસ્ટ્રેશન થશે.

(12:08 pm IST)